સ્વામિનારાયણ સંપ્રદાયના સોખડાના સ્વામી ખૂબ ચર્ચામાં છવાયા છે. ચર્ચામાં રહેવાનુ કારણ તેમની સામેના આક્ષેપ છે. સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય (Sokhda Swaminarayan) ના સ્વામી ત્યાગવલ્લભ સ્વામી (Tyagavallabh Swami) સામે 33 કરોડ રુપિયાની ઉચાપતનો આક્ષેપ છે. આ સંદર્ભની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેને લઈ હવે પોલીસ તપાસનો ધમધમાટ શરુ થયો છે. બીજી તરફ આગોતરા જામીન પણ ફગાવી દેવામાં આવ્યા છે. આત્મીય સંસ્થામાંથી આ રકમની ઉચાપત થઈ હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઈ આ અંગે ફરિયાદ દાખલ થઈ હતી.
ઉચાપતમાં મુખ્ય ભુમિકા આત્મીય સંકુલના મુખ્ય સંચાલક ત્યાગવલ્લભ સ્વામી પર આક્ષેપ લાગ્યો છે. ભુતિયા બેંક ખાતા દ્વારા થયેલી ઉચાપાત કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને તેમના સાથી સમીર વૈદ્ય દ્રારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જો કે આ જામીન અરજી સેશન્સ કોર્ટ દ્રારા ફગાવી દેવામાં આવી હતી. ત્યાગવલ્લભ સ્વામીની સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભુમિકા ક્યા પ્રકારની છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. અહીં બતાવીશુ તેમની ભૂમિકા અને તેમના અંગેની કેટલીક જાણકારી.
ત્યાગવલ્લભ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ વિનુભાઇ ગોરધનભાઇ પટેલ હતું,. તેઓનો જન્મ ભરુચ પાસેના અવિધા ગામે 23 ઓક્ટોબર 1952ના રોજ થયો હતો. ત્યાગવલ્લભ સ્વામી વિનુભગત તરીકે ઓળખાતા હતા. ત્યાગવલ્લભ સ્વામીના પરિવારમાં ચાર ભાઇઓ છે. જેમાંથી બે ભાઇ હાલમાં અમેરિકામાં સ્થાયી છે. ત્યાગવલ્લભ સ્વામીને બે બહેનો છે. ત્યાગવલ્લભ સ્વામીના માતા પિતા વતન અવિધા ગામમાં ખેતી કામ કરતા હતા. વલ્લભ વિદ્યાનગરમાં ત્યાગવલ્લભ સ્વામીએ BSc સુધીનો અભ્યાસ કર્યો છે.
વિનુભાઈ પટેલે વર્ષ 1974માં દિક્ષા લીધી હતી. તેઓને હરિપ્રસાદ સ્વામીએ દિક્ષા આપી હતી અને ત્યાગવલ્લભ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા હતા. ત્યાગવલ્ભ સ્વામીએ ડિવાઈન સોસાયટીમાં અલગ અલગ આધ્યાત્મિક, સામાજિક અને શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તીઓ સાથે જોડાયો હતો. તેમનામાં શૈક્ષણિક રુચિ અને આ દિશામાં સેવાકીય પ્રવૃત્તિઓને લઈ 1985-86માં રાજકોટમાં તેઓએને જવાબદારી સોંપવામાં આવી હતી.
રાજકોટની શૈક્ષણિક પરિષદ સ્વામી હરિપ્રસાદ મહારાજને સમર્પિત થયા બાદ તેના વિકાસની જવાબદારી ત્યાગવલ્લભ સ્વામીને સોપાઈ હતી. જ્યાં ત્યાગવલ્લભ સ્વામીએ સંસ્થાના વિકાસની શરુઆત કરી હતી. રાજકોટના કાલાવાડ રોડ પર કોલેજ શરુ થઈ હતી અને જેમાં સાયન્સ કોલેજના અભ્યાસક્રમની શરુઆત કરવામાં આવી હતી. આ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આત્મીય કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો અફાયો હતો. જે સંકુલને ત્યાગવલ્લભ સ્વામી વડિલ સંત તરીકે અહીં સ્વંતંત્ર હવાલો સંભાળતા હતા.
હરિપ્રસાસ સ્વામીના નિધન બાદ હરિમંદિરની ગાદીને લઈ વિવાદ સર્જાયો હતો. ત્યાગવલ્લભ સ્વામીએ સોખડાના હરિમંદિરની ગાદીના વિવાદમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડિલ સંત હોવાને લઈ તેઓ આ ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેઓએ મંદિરનો પક્ષ રાખ્યો હતો અને ગાદીપતિ તરીકે પ્રેમસ્વરુ સ્વામીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. વિવાદ દરમિયાન પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ત્યાગવલ્લભ સ્વામીની ભૂમિકા સામે સવાલો કરવામાં આવ્યા હતા.
જોકે હવે 33 કરોડ રુપિયાના મોટી રકમની ઉચાપતને લઈ મામલાની તપાસ શરુ થઈ છે. કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે. આવી સ્થિતીમાં હવે સ્વામીની પોલીસ અટકાયત કરશે કે ઉપલી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજ કરાશે એ બાબત પર સૌની નજર ઠરી છે. મામલામાં આગળ શુ થશે તેની પર પણ સૌની નજર છે.
Published On - 9:43 am, Wed, 28 June 23