રાજકોટની વિવિધ કોર્ટમાં વકીલો સાથે થતા વ્યવહાર અને વર્ષ 2021માં ડિસ્ટ્રીક જજ દ્વારા કરવામાં આવેલા પરિપત્રના વિરોધમાં આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળ પાડી હતી. આજે બાર એસોસિએશનના 3 હજાર જેટલા વકીલો પોતાના દૈનિક કામકાજથી અળગા રહ્યા હતા. બાર એસોસિએશને ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા કરવામાં આવેલા પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવાની માગ કરી હતી.
આજે મોટી સંખ્યામાં વકીલો કોર્ટ બિલ્ડિંગ ખાતે એકત્ર થયા હતા અને વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા. વકીલોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ પરિપત્ર રદ નહિ થાય તો બાર એસોસિએશનના આગામી જનરલ બોર્ડમાં ઉગ્ર આંદોલન અંગેની રણનિતી નક્કી કરાશે.
આ અંગે TV9 સાથેની વાતચીતમાં બાર એસોસિએશનના પ્રમુખ લલિત શાહીએ કહ્યું હતું કે ડિસ્ટ્રીક જજ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. જો કોઇ વકીલ કોર્ટમાં ઉંચા અવાજે બોલે તો તે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ગણાશે. જે પરિપત્ર રદ કરવાની અમારી માગ છે.
ડિસ્ટ્રીક જજને મળીને કહ્યું હતું કે, જજ અને બાર એસોસિએશનની એક સયુંક્ત બેઠક થવી જોઇએ. જેમાં એકબીજાને જે પ્રશ્નો હોય તેનું સમાધાન થાય. પરંતુ જ્યુડિશીયલ ટીમ દ્વારા કોઇ પ્રત્યુતર અપાયો નથી. આ ઉપરાંત અમે અવારનવાર લેખિતમાં રજૂઆત કરવા છતા અમારી વાત ધ્યાને ન લેવાતા આ હડતાળ રાખવામાં આવી છે અને જો હજુ આ પરિપત્ર રદ નહિ થાય તો આગામી દિવસોમાં મળનાર જનરલ બોર્ડમાં રણનિતી ઘડાશે.
રાજકોટ બાર એસોસિએશનની આ લડતને રાજકોટના વિવિધ વકીલ એસોસિએશનની સાથે સાથે પડધરી, જેતપૂર, જસદણ, લોધિકા, ગોંડલના બાર એસોસિએશને ટેકો આપ્યો છે.આ ઉપરાંત રાજકોટના રેવન્યુ પ્રેક્ટિસ,લેબર બાર,ક્રિમીનલ બાર,લેડી લોયર્સ એસોસિએશન સહિતના રાજકોટના વિવિધ બાર એસોસિએશને પણ ટેકો આપ્યો છે અને આજે તેઓ પણ કામગીરીથી અલીપ્ત રહ્યા હતા.
રાજકોટ બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રીક જજના પરિપત્રનો વિરોધના ભાગરૂપે હડતાળ કરતા કોર્ટ પરિસરમાં અરજદારો માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી. રાજકોટની કોર્ટના તમામ દરવાજાઓ આજે બંધ કરી દેવામાં આવ્યા હતા. અરજદારો માટે પ્રવેશબંધી થતા થોડા સમય માટે વકીલો અને કોર્ટે આવતા અરજદારો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ બોલી હતી. આજે કોર્ટ મુદ્દત હોવાને કારણે કેટલાક અરજદારો કોર્ટ સંકુલમાં પહોંચ્યા હતા, જો કે કોર્ટ બંધ હોવાને કારણે બહારગામથી આવેલા અરજદારોને ભારે હાલાકી પડી હતી.
Published On - 5:56 pm, Tue, 21 March 23