પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (Jayesh Radadia)સામે સહકારી વિભાગનું એક જુથ મેદાને પડ્યું છે. બંન્ને જુથ વચ્ચે વર્ચસ્વની લડાઇ હોય તેવો માહોલ ઉભો થયો છે. ત્યારે આવતીકાલે યોજાનારી રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની (Rajkot Lodhika Kharid vechan Sangh)) બોર્ડ બેઠકમાં બંન્ને જુથના પારખાં થઇ જશે. રાજકોટ લોધિકા સંઘના સભ્ય તરીકે જિલ્લા બેંકના ડાયરેક્ટર પદેથી વિજય સખિયાને દુર કરવાનો જયેશ રાદડિયાએ દાવ રમ્યો છે. અને આવતીકાલે બોર્ડની બેઠકમાં આ પેન્ડીંગ દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે. જયેશ રાદડિયાએ વિજય સખિયાના બદલે પાડાસણ સહકારી મંડળીના સભ્ય મહેશ આસોદરિયાને આ પદ આપવાની વ્યૂહ રચના ગોઠવી હતી. પરંતુ હરિફ જુથે મહેશ આસોદરિયાને પાડાસણ બેઠકના સભ્ય પદેથી દુર કરીને જયેશ રાદડિયાને પડકાર ફેંક્યો હતો.
આવતીકાલે બોર્ડ બેઠકમાં લેવાશે નિર્ણય
સૂત્રોનું માનીએ તો જયેશ રાદડિયા વિજય સખિયાને બેંકમાંથી દુર કરવા માંગે છે એટલા માટે મહેશ આસોદરિયાના નામ પર પસંદગી ઉતારી હતી. જોકે હરિફ જુથે તેમાં પણ રાજનિતી કરી હતી. જેથી વિજય સખિયા દુર થશે તો તેના બદલે મહેશ આસોદરિયા આવી શકશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ છે. પરંતુ જયેશ રાદડિયા મહેશ આસોદરિયાને બદલે બીજો ચહેરો લાવીને પણ વિજય સખિયાને દુર કરે તો નવાઇ નહિ, જોકે આખો મદાર આવતીકાલે મળનારી બોર્ડ બેઠક પર છે જેના પર સહકારી ક્ષેત્રના સૌ માંધાતાઓની નજર છે.
સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો હાથ ઉપર
રાજકોટના સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો હાથ ઉપર છે.જયેશ રાદડિયાએ જિલ્લા બેંક પર બિનહરીફ રીતે ચૂંટાયને કબ્જો કર્યા બાદ તેને જિલ્લાની તમામ માર્કેટીંગ યાર્ડમાં કબ્જો જમાવ્યો છે જ્યારે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં પણ જયેશ રાદડિયાનો હાથ ઉપર રહ્યો હતો.જો કે જયેશ રાદડિયાના આ દબદબા સામે હરદેવસિંહ જાડેજા,પરસોતમ સાવલિયા,નિતીન ઢાંકેચા અને વિજય સખિયા સહિતનાએ પોતાને યોગ્ય સ્થાન ન મળ્યું હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ તેઓ જયેશ રાદડિયાની સામે પડ્યા હતા.
હરીફ જુથેે બેંકમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો
હરીફ જુથ દ્રારા જિલ્લા સહકારી બેંકમાં ભરતી મુદ્દે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો મુદ્દા ઉઠાવ્યો હતો અને આ અંગે મુખ્યમંત્રી,ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સહકારી વિભાગના અધિકારીઓને પણ લેખિતમાં ફરિયાદ કરી છે. જે અંગે હજુ સુધી તપાસ થઇ નથી, જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં થયેલા આક્ષેપો અંગે સમય આવ્યે જવાબ આપશે તેવો દાવો કર્યો છે.
આ પણ વાંચો : રાજકોટના મેયરના વોર્ડમાં જ રખડતા ઢોરનો ત્રાસ, એક વૃદ્ધાનો જીવ ગયો
આ પણ વાંચો : Surat : ગ્રીષ્મા હત્યા કેસ પર નાટક બન્યું, સુરતના નાટ્યકલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ પ્રસ્તુતી તૈયાર કરી