રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતની સૌપ્રથમ મુસ્કાન સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવી છે. નવજાત શિશુ અને બાળકોની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા સભર કેર કરતી સેવાઓ બદલ રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતમાં સૌ પ્રથમ મુસ્કાન (MusQan) સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવી છે.
આ અંગે વિગત આપતા પદ્મકુંવરબા હોસ્પિટલ અધિક્ષક ડૉ. કેતન પીપળીયા એ જણાવ્યું હતું કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલમાં ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વિવિધ માપદંડો નક્કી કરનાર મુસ્કાન પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. જે મુજબ હોસ્પિટલ ખાતે બાળકોની સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ અને તેમના વિકાસ સંબંધી વિવિધ માપદંડ અંગે ટીમ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવે છે અને તેના ગુણાંકન પરથી હોસ્પિટલને 90% માર્ક મળ્યા છે. જેના આધારે પદ્મકુંવરબા હોસ્પિટલને આ સર્ટિફિકેટ મળ્યુ છે
બાળકોની સારવાર અને કેર સંબંધી માપદંડ અંગે માહિતી આપતા RMO ડૉ નૂતને જણાવ્યું હતું કે, મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત હોસ્પિટલ ખાતે બાળકો માટે ચાર ભાગમાં વ્યવસ્થા ઉપર નિદર્શ કરવામાં આવ્યો છે. જેમાં પહેલું હોસ્પિટલ ખાતે બાળકના જન્મ સમયે જ કોઈ બીમારી દેખાય તો તેમને SNCU માં દાખલ કરવામાં આવે છે. જેમાં આઇસોલેશન, વેન્ટિલેટર, વોર્મર, ક્લીનલીનેસ, ફાયર સેફટી સહિતની સુવિધા જરૂરી છે. બાળકને ભવિષ્યમાં કોઈ બીમારી થાય તો તે માટે અલગથી OPD કેસ બારી, દવા બારી જરૂરી છે.
બાળકોને દાખલ કરવાની જરૂર પડે તો હોસ્પિટલમાં અલગથી પીડિયાટ્રિક વોર્ડની સુવિધા, એન.આર.સી.સેન્ટર જરૂરી છે. નવી માર્ગદર્શિકા મુજબ બાળકને માત્ર છ માસ નહીં પરંતુ બાળકને બે વર્ષ સુધી માતાનું દૂધ મળી રહે, બાળકનું તાપમાન જળવાઈ રહે, તેમજ બાળકને માતાનો સતત સ્પર્શ મળી રહે તે માટે માતાને પ્રશિક્ષિત કરવામાં આવે છે.
કોઈ પરિસ્થિતિમાં બીમારીના કારણે બાળકને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો ઓક્સિજન અને જરૂરી સાધન સાથે ડોક્ટર્સની દેખરેખ હેઠળ એમ્બ્યુલન્સમાં પહોંચાડવામાં આવે તે માટે ખાસ ગાઈડલાઇનનું પાલન કરવાનું હોય છે. ચોથી ગાઈડલાઈન ડોક્યુમેન્ટેશન છે. જેમાં બાળકોનો ગ્રોથ, વેક્સિનેશન, વજન, ઉંચાઈ,મેન્ટલ સ્ટેટ્સ વગેરેનો રેકોર્ડ રાખવામાં આવે છે.
સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ ખાતે પીડિયાટ્રિશ્યન, રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સહીત કુલ 16 કર્મચારી જયારે પીડિયાટ્રિક વોર્ડમાં 6, પીડિયાટ્રિક OPDમાં ડોક્ટર્સ અને નર્સિંગનો 5 વ્યક્તિનો સ્ટાફ ફરજ બજાવે છે.
સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ ખાતે એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં 535 બાળકોને ઇમર્જન્સી સારવાર તેમજ પીડિયાટ્રિક વોર્ડમાં 359 બાળકોને સારવાર પુરી પાડવામાં આવી છે. આ સર્ટિફિકેટ મળતા વધારાનું ઈન્સેન્ટિવ મળશે, જે બાળકોની સારવારમાં વધારો કરશે. આગામી સમયમાં કેન્દ્ર કક્ષાએ પણ આપણને સર્ટિફિકેટ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે તેવું ડો. કેતન પીપળીયાએ જણાવ્યું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:07 pm, Fri, 21 April 23