રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ડુંગળીના ભાવ તળિયે છે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવી રહ્યો છે. ડુંગળી વેચતા ખેડૂતોને ઉપજના રૂપિયા તો ઠીક સામા મજૂરી ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે આવું જ એક ખેડૂતનું વેપારીએ બનાવેલું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જેમાં કાલાવડ તાલુકાના ધુતારપુર ગામના ખેડૂતે 472 કિલો ડુંગળીનું વેચાણ કર્યું તો ઉપજ એક રૂપિયો મળ્યો નહીં, પરંતુ ઉલટાના વેપારીને સામે 131 રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
રાજકોટના જૂના માર્કટીંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા કાલાવડ તાલુકાના ધુતારપુર ગામના ખેડૂત જમનભાઇ કુંરજીભાઇ માઘાણીએ જણાવ્યું હતું કે ‘મારે 10 વીઘા જમીન હતી. જેમાંથી મેં કુલ 472 કિલો ડુંગળી રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં મોકલી હતી. યાર્ડમાં ડુંગળી મોકલવાનો ખર્ચ પ્રતિ મણ 25 રૂપિયા આવ્યો હતો.જે ની સામે યાર્ડમાં ડુંગળીના માત્ર 21 રૂપિયા મણના ઉપજ્યા હતા. ડુંગળી લઈ જવાના તમામ ખર્ચ બાદ કરતા કોઈ નફો તો મળ્યો નહીં , પરંતુ 131 રૂપિયા મારે વેપારીને ચૂકવવા પડ્યા હતા. ખેડૂત જમનભાઇએ કહ્યું હતું કે ડુંગળીના નફાકારક ભાવ મળ્યા નથી . તેમજ મારી સાથે સાડા ચાર મહિના જે મજૂરોએ કામ કર્યું હતું તેઓ રોતાં રોતાં ઉપજ વગર પોતાના વતન ગયા છે. આ ડુંગળીનો ઉતરાઈ ખર્ચ રૂ.36.40 થયો હતો અને ટ્રક ભાડું રૂ. 590 ચૂકવાવનું થયું હતું. ડુંગળી વેચતા નફો કે મૂળ રકમ તો ન મળી પરંતુ સામે પૈસા ચૂકવવાના થતા દશા કફોડી થઈ ગઈ હતી.
આ અંગે કિસાન સંઘના આગેવાન દિલીપ સખિયાએ કહ્યું હતું કે જ્યારે ચાર મહિના પછી ખેડૂત ડુંગળી લઇને માર્કેટીંગ યાર્ડ આવે છે ચાર મહિના સુધી જંતુનાશક દવા, બિયારણ, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન વગેરેના ખર્ચ થાય છે ત્યારે તેની ઉપજ પણ મળતી નથી. આ ભાવ રહે તો ખેડૂતો પોતાનું ગુજરાન કઇ રીતે ચલાવશે તે સવાલ છે. કિસાન સંઘે દાવો કર્યો હતો કે આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાત થઇ છે તેઓ આ અંગે પણ ચિતિંત હોવાનો દાવો કર્યો છે. ખેડૂત આગેવાન તરીકે સરકાર આ દિશામાં નક્કર આયોજન કરે તેવી માંગ કરી છે.