વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને રાજકોટમાં વિશેષ આયોજન, ક્રિકેટ સ્ટેડિયમમાં મૂકાશે મોટી એલઈડી સ્ક્રીન

રાજકોટ: 19 નવેમ્બરે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં રમાનારી ફાઈનલને લઈને આ ઉત્સાહ બેવડાઈ ગઈ છે. વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાવાની છે. ત્યારે રાજકોટમાં પણ આ મેચને લઈને વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને રાજકોટમાં વિશેષ આયોજન, ક્રિકેટ સ્ટેડિયમમાં મૂકાશે મોટી એલઈડી સ્ક્રીન
| Edited By: | Updated on: Nov 17, 2023 | 8:20 PM

રાજકોટ: રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને રાજકોટમાં વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રેસકોર્ષ ખાતે આવેલા માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતની સૌથી મોટી એલઇડી સ્ક્રીનમાં મેચનું લાઇવ પ્રસારણ બતાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગુજરાતનું સૌથી મોટું આયોજન બની રહેશે-જયમીન ઠાકર

આ અંગે વિગતો આપતા રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે ભારતની ટીમ વર્લ્ડકપમાં સળંગ 10  મેચ જીતીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમનો ફાઇનલમાં પ્રવેશ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા પણ આ ક્ષણને વધાવવા માટે આતુર છે. રાજકોટવાસીઓ સ્ટેડિયમમાં બેઠા હોય તે રીતે લાઇવ ક્રિકેટ મેચ નિહાળી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 80×30ની એલઇડી સ્ક્રિન મૂકવામાં આવી છે. જેમાં મેચ લાઇવ ટેલિકાસ્ટ દેખાડવામાં આવશે. મેચની સાથે ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી દરેક ક્રિકેટપ્રેમી વ્યક્તિ ઉત્સાહ સાથે આ મેચને નિહાળી શકે.

આ પણ વાંચો:  રાજકોટમાં જીવલેણ બનતા વીજ કરંટ, છેલ્લા સાત મહિનામાં 40 લોકોના થયા મોત

પાર્કિંગ અને ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા લાઇવ ક્રિકેટ મેચ અંગે કરવામાં આવેલા આયોજનને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે તેવી સંભાવના છે. જેને જોતા પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેચના લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને વિજીલન્સની ટીમ તથા સ્થાનિક પોલીસ પણ તૈનાત રહેશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 8:17 pm, Fri, 17 November 23