વૃદ્ધા અવસ્થામાં દીકરો માતા-પિતાની સેવા કરે તેવી ઇચ્છા હોય. પરંતુ દીકરો સેવા કરવાની તો વાત દૂર માતાની છત પણ પડાવી લે તો? આવી જ ઘટના સામે આવી છે રાજકોટમાં. જ્યાં એક દીકરાએ માતા પાસેથી સંપત્તિ પોતાના નામે કરાવી લઈ માતાને તરછોડી દીધી. જેના કારણે આ માતા ભટકતું જીવન ગુજારવા મજબૂર બની હતી. વાત છે ખંઢેરી ગામમાં રહેતા રઇબેન સોનારા નામના વૃદ્ધાની. જેમણે ઘણી મુશ્કેલીઓથી દીકરાને મોટો કર્યો. પરંતુ અંતે દીકરાએ માતાને ભટકતી કરી દીધી.
આખરે રઇબેને આ મામલે પોતાના પુત્ર સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પર જિલ્લા કલેક્ટરે અંગત રસ લીધો અને મજબૂર માતાને ન્યાય અપાવવાની નિર્ણય કર્યો. આખરે જિલ્લા કલેક્ટરે આ મુદ્દે એક કમિટી બનાવી હતી અને માતા અને દીકરાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. માતા તો જ્યારે બોલાવે ત્યારે પૂછપરછ માટે હાજર થઇ જતા પરંતુ તેમનો દીકરો કોઇના કોઇ બહાને હાજર થતો નહોતો. આખરે જિલ્લા કલેક્ટરે રઇબેનને ન્યાય અપાવ્યો અને તેમના દીકરાને આદેશ કર્યો કે, વૃદ્ધાને મકાન, 5 એકર જમીન અને દર મહિને 8 હજાર રૂપિયા ભરણપોષણ આપવાનો પણ આદેશ કર્યો.
આ ચૂકાદાને લઇ વૃદ્ધાએ ખુશી વ્યક્ત કરી. વૃદ્ધાનું કહેવું છે કે, તેમણે લાંબાગાળા બાદ ન્યાય મળ્યો પણ મળ્યો નથી. વૃદ્ધાનો દાવો છે કે, છેલ્લા એક-દોઢ વર્ષથી તેઓ ભટકતું જીવન જીવતા હતા. હવે તેમને ન્યાય મળ્યો. તો બીજી તરફ વૃદ્ધાની પુત્રીનો દાવો છે કે, તેમની જમીન બે ભાઇઓએ સરખા ભાગે વેચી દીધી અને વૃદ્ધાને રસ્તે રખડતા કરી દીધા. જેના કારણે તેમણે ફરિયાદ કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો: Ahmedabad: ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે RTOની લાલ આંખ, છેલ્લા બે વર્ષમાં 700 લાયસન્સ કર્યા રદ્દ
આદેશ બાદ વૃદ્ધાના દીકરાએ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. રઇબેનના પુત્ર વિક્રમે દાવો કર્યો છે કે, તેણે તેની માતાના ભરણપોષણ માટે સાડા સાત લાખ રૂપિયા આપ્યા હતા. એટલું જ નહિં બીજા ચાર લાખ રૂપિયા તેની માતાના ખાતામાં નાખ્યા હતા. જો કે, તે રૂપિયા પણ તેની માતાએ ઉપાડી લીધા હોવાનો દાવો કરી રહ્યો છે. એટલું જ નહિં વૃદ્ધાનો પુત્ર એવો પણ દાવો કરી રહ્યો છે કે, તેની માતાના ભત્રીજાઓની નજર તેમની મિલકત પર છે. તેથી આ બધુ થઇ રહ્યું છે. હાલ રઇબેનના દીકરાએ તેમને સાથે રાખવાની તૈયારી પણ બતાવી છે. એટલું જ નહિં ચૂકાદા સામે કાયદાકીય લડત આપવાની પણ તૈયારી દર્શાવી છે.