રાજકોટવાસીઓને આ ઉનાળે પાણીના સંકટનો સામનો નહીં કરવો પડે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં નર્મદા નીર આવવાને કારણે આ ડેમ હાલમાં છલોછલ ભરાઇ ગયો છે. આજી ડેમમાં પાણીની આવકથી હવે જૂન મહિના સુધી શહેરીજનોને જળસંકટનો સામનો નહીં કરવો પડે. રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સાથે સંકલન કરીને આજી ડેમમાં 879 MCFT પાણીનો જથ્થો ઠાલવ્યો છે.
જેના કારણે આજી ડેમની કુલ સપાટી 28.35 ફૂટ પહોંચી છે. મહત્વપૂર્ણ છે કે આજી ડેમ રાજકોટમાં પાણી પુરુ પાડતો મહત્વનો સોર્સ છે. આજી અને ન્યારી ડેમમાં પુરતા પ્રમાણમાં પાણી હોવાને કારણે ઉનાળામાં પાણીની કોઇ સમસ્યા સર્જાશે નહીં અને રાજકોટવાસીઓને દૈનિક નિયમિત 20 મિનિટ પાણી મળી રહેશે.
અગાઉ એવુ બનતુ હતુ કે ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટના સ્થાનિક પાણીના સ્ત્રોત તળિયા ઝાટક થઈ જવાને કારણે પાણીની સમસ્યાઓ સર્જાતી હતી, પરંતુ સૌની યોજના આવ્યા બાદ રાજકોટમાં દુષ્કાળ ભુતકાળ બની ગયો છે. રાજકોટમાં આ વખતે ફરી ભર ઉનાળે સૌની યોજનાનું પાણી મળી ગયું છે. જેના કારણે શહેરનું જળસંકટ હળવું થઈ ગયું છે.
આજી નદીની કુલ સપાટી 29 ફુટની છે. રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સામે સંકલન કરીને આજી ડેમમાં 880 એમસીએફટી પાણીનો જથ્થો ઠાલવ્યો છે. જેના કારણે આજી નદીની કુલ સપાટી 28.35 ફુટ પહોંચી છે એટલે કે આજી ડેમ હાલમાં છલોછલ થઇ ગયો છે. આજી ડેમ છલોછલ થઇ જતા મહાનગરપાલિકા દ્વારા પાણી વેડફાઈ નહિ તે માટે આવક બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ત્રીજી વખત આજી ડેમ આ રીતે ભરવામાં આવ્યો છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતું કે આજી ડેમએ રાજકોટમાં પાણી પુરુ પાડતો મહત્વનો સોર્સ છે. આજી અને ન્યારી ડેમમાં પુરતા પ્રમાણમાં પાણી હોવાને કારણે શહેરમાં ઉનાળાના પાણીની કોઇ સમસ્યા નહિ રહે અને રાજકોટવાસીઓને નિયમિત 20 મિનિટ પાણી મળી રહેશે. રાજકોટમાં આજી 1 ડેમમાંથી 120 એમએલડી પાણીનો જથ્થો ઉપાડવામાં આવે છે. જે હવે જૂન મહિના સુધી કોઈ સમસ્યા નહિ રહે અને ઉનાળામાં પાણી મળી રહેશે.
રાજકોટના નવા ભળેલા માઘાપર, મોટામૌવા સહિતના વિસ્તારોમાં હજુ પાણીની પાઇપલાઇન ન હોવાને કારણે ભારે હાલાકી પડી રહી છે. આવા વિસ્તારોમાં મહાનગરપાલિકાના જનરલ બોર્ડના નિયમને આધારે પાણી ટેન્કરથી પહોંચાડવામાં આવી રહ્યું છે.મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતું કે નવા ભળેલા વિસ્તારોમાં પાણી પહોંચા઼ડવા માટે રાજ્ય સરકારે બજેટ મંજૂર કરી દીધું છે અને આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવશે.