રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિર ટ્રસ્ટ દ્રારા ગેરકાયદેસર બાંધકામ કરવા અંગેની હાઇકોર્ટમાં PIL બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જિલ્લા કલેકટરને હાઇકોર્ટ દ્રારા ચાર સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યા બાદ પ્રાંત અધિકારીને આ મુદ્દે તપાસ સોંપવામાં આવી છે. જેમાં પ્રાંત અધિકારીએ બંન્ને પક્ષોને રૂબરૂં સાંભળ્યા બાદ લેખિતમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. પ્રાંત અધિકારી દ્રારા આ બાંધકામને લઇને જગ્યા માપણીથી લઇને સરકાર દ્રારા સોંપવામાં આવેલી જમીનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરે તપાસ સોંપ્યા બાદ પ્રાંત અધિકારી ચૌધરી દ્રારા આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાંત અધિકારી દ્રારા ગત શનિવારે બાલાજી મંદિર ટ્રસ્ટના પ્રતિનિધીને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ગત સોમવારે પીઆઇએલ કરનાર પક્ષકારને બોલાવવામાં આવ્યા હતા અને બંન્ને પાસેથી મૌખિક વિગતો લીધા બાદ આ અંગે લેખિતમાં જવાબ રજૂ કરવાની માંગ કરી હતી. બંન્ને પક્ષકારો લેખિતમાં જવાબ રજૂ કર્યા બાદ વહિવટી વિભાગ દ્રારા સ્થળ ચકાસણી કરવામાં આવશે. ત્રણ સભ્યોની ટીમ દ્રારા એક વખત આ અંગે પંચ રોજકામ કરી દીધું છે. જો કે બંન્ને પક્ષકારોના દાવા રજૂ થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્રારા ભુપેન્દ્ર રોડ પર આવેલી કરણસિંહજી હાઇસ્કૂલ જે જર્જરિત થઈ ગઈ છે. તેના રિનોવેશન માટે અને શૈક્ષણિક હેતુ માટે બાજુમાં આવેલા બાલાજી મંદિર ટ્રસ્ટને સોંપી હતી. મંદિર ટ્રસ્ટ દ્રારા આ જગ્યાને તેની મૂળ સ્થિતિમાં ફેરફાર કર્યા વગર જ તેનુ રિનોવેશન કરીને ત્યાં સંસ્કૃત પાઠશાળા બનાવવાનો હુક્મ કરવામાં આવ્યો હતો.
જો કે મંદિર ટ્રસ્ટ દ્રારા અહીં 20 ચોમી જગ્યામાં આવેલા મંદિરને વિશાળ બનાવવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકા કે જિલ્લા કલેક્ટરની પરવાનગી મેળવ્યા વગર જ આ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહિ મંદિર પરિસરમાં આવેલો ચબુતરો તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાજુમાં આવેલા અન્નક્ષેત્ર પણ ચાલુ ન થાય તે રીતે તેમાં આજુબાજુ પથ્થરો પતરા સહિતની ચીજવસ્તુઓ રાખી દેવામાં આવી હતી. જેને લઇને વિવાદ સર્જાયો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…