Rajkot: જન્માષ્ટમીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પાંચથી 9 સપ્ટેમ્બર દરમિયાન રસરંગ જન્માષ્ટમી લોકમેળો યોજાશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં ખાણીપીણીના સ્ટોલ્સ અને રાઇડ્સ લગાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અન્ય રાજ્યોમાંથી અવનવી રાઈડ્સ આવી ચૂકી છે. મોટી સંખ્યામાં ખાણીપીણી અને રમકડાના સ્ટોલ્સ પણ આ લોકમેળામાં લાગશે.
લોકમેળામાં કુલ 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રમકડાના 178 સ્ટોલ,ખાણીપીણીના 14 સ્ટોલ,નાની ચકરડીના 48 પ્લોટ,મોટી રાઇડઝના 44,ખાણીપીણીના 37 સ્ટોલ,આઈસ્ક્રીમના 16 સ્ટોલ,ફૂડ કોર્ટના 3 પ્લોટ અને 1 પ્લોટ ટી કોર્નર માટે ફાળવવામાં આવ્યા છે.આ ઉપરાંત લોકોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક આકર્ષક ડોમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં પાંચેય દિવસ અલગ અલગ ખ્યાતનામ કલાકારો લોકોનું મનોરંજન કરશે.
લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી 5 દિવસમાં 10 લાખ જેટલા લોકો ઉમટે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 3 ડીસીપી,10 એસીપી,28 પીઆઈ,81 પીએસઆઈ,1067 પોલીસ કોન્સ્ટેબલ,77 એસઆરપી જવાન સહિત 1300 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત 100 જેટલા ખાનગી સિક્યોરિટી જવાનો પણ ખડેપગે રહેશે. આ ઉપરાંત લોકોની સુરક્ષા રસરંગ લોકમેળાનો 4 કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો છે.
લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું સુચારુ આયોજન જળવાઈ રહે તે માટે કલેક્ટર કચેરી અંતર્ગત આવતા મુખ્ય કંટ્રોલરૂમમાં 8 કલાકની ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ સતત ફરજ બજાવશે. જેમા મામલતદાર સહિતનો સ્ટાફ પણ હાજર રહેશે. આ કર્મચારીઓના નામો જિલ્લાની વિવિધ કચેરી પાસેથી મગાવવામાં આવ્યા છે. લોકમેળામાં કંટ્રોલરૂમમાં ફરજ બજાવનારા કર્મચારીઓ અત્યાર સુધી મોબાઈલ દ્વારા સંપર્ક કરતા હતા પરંતુ આ વખતે પ્રથમવાર મેળા દરમિયાન કર્મચારીઓ વોકટોકીનો પ્રયોગ કરશે. કંટ્રોલરૂમના ક્રમચારીઓને 30 વોકીટોકી સેટ આપવામાં આપવામાં આવશે. આ પ્રકારે ચારેય કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ વોકીટોકી સાથે ફરજ બજાવશે
આ પણ વાંચો: Rajkot: લોકમેળા સમિતિમાંથી કલેકટરના હસ્તે મનોદિવ્યાંગ બાળકોની વિવિધ સંસ્થાઓને રૂ.15 લાખની વસ્તુઓ અર્પણ કરાઈ
અનેક વખત મેળાઓમાં રાઈડઝમાં અકસ્માત થતાં હોય છે અને લોકો જીવ ગુમાવતા હોય છે. જેથી આ લોકમેળામાં લોકોની સુરક્ષા માટે રાઈડઝની ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ રાઈડઝ શરૂ કરી શકાશે. જેથી લોકોના જીવ ન જોખમાય. જો કે સદનસીબે રાજકોટના લોકમેળામાં ક્યારેય કોઈ ગંભીર ઘટના નથી બની કોઈ મોટી જાનહાનિ ક્યારેય સામે નથી આવી.આ ઉપરાંત લોકમેળામાં 4 જગ્યાએ જાહેર શૌચાલય અને 17 જગ્યાએ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો