
રાજકોટમાં પોલીસની આબરુ ધૂળ ધાણી કરતો કિસ્સો સામે આવ્યો છે. પોલીસની છબીના ધજાગરા ઉડાડતો કિસ્સો સામે આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા ન્યારી ડેમ નજીક બે દિવસ પહેલા એક તબીબ યુવક-યુવતી એકલતાની પળો માણી રહ્યા હતા આ સમયે તાલુકા પોલીસ સ્ટેશનની PCR વાન ત્યાં આવી પહોંચી હતી. PCR વાને આ કપલને ધમકાવ્યા હતા અને શા માટે અહીં બેઠા છો તેવું કહીને પૂછપરછ કરી હતી.
પીસીઆર વાનમાં સવાર કર્મીઓએ બંન્ને યુવક યુવતીના મોબાઇલ નંબર લીધા હતા જેનો ડ્રાઇવરે ગેરલાભ ઉઠાવીને યુવતીને મેસેજ કરવા લાગ્યો હતો અને તેની પાસે અભદ્ર માંગણી કરવા અને લગ્નની ઓફર સુધીની કનડગત કરવા લાગ્યો હતો. યુવતીએ ડ્રાઇવરની કનડગત અંગે પોતાના પરિચીત પોલીસ અધિકારીને વાત કરતા આખો મામલો ઉચ્ચ અધિકારી સુધી પહોંચતા પોલીસે તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટનાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે.આ અંગે રાજકોટ ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઇએ કહ્યું હતું કે ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં આ અંગેની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.આ કમિટી આ આક્ષેપો કેટલા સાચા છે કે ખોટા તે અંગે તપાસ કરી રહી છે અને તપાસ રિપોર્ટ સામે આવતા કાર્યવાહી કરવામાં આવશે. મીડિયાના માધ્યમથી આ બનાવ પ્રકાશમાં આવ્યો છે ત્યારે કોની કેટલી અને કઇ રીતની ભુમિકા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ન્યારી ડેમ રાજકોટનું એક પર્યટન સ્થળ છે પરંતુ આ જ સ્થળ પ્રેમી પંખીડાઓ માટે એકલતા માણવાનું સ્થળ પણ બની ગયું છે જેના કારણે કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ અને લુખ્ખાઓ માટે રૂપિયા કમાવવાનું માઘ્યમ બની ગયું છે.સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે આ કિસ્સામાં પણ પીસીઆર વાનમાં જે કર્મચારીઓ આવ્યા હતા તેઓએ 25 હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ અંગે તટસ્થ અને યોગ્ય તપાસ થવી ખુબ જ જરૂરી છે.