Rajkot: દિલ્લીના નિર્ભયાકાંડથી સૌ કોઇ સારી રીતે વાકેફ છે. આ જ પ્રકારની ઘટના રાજકોટમાં બની છે. એક 13 વર્ષની સગીરા સાથે બર્બરતા ભર્યુ કૃત્ય નરાધમ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ગત 27 જૂનના રોજ અમદાવાદ હાઇવે પર યુવરાજનગર વિસ્તારમાં રહેતી સગીરા લાકડાં કાપવા માટે ગયેલી ત્યારે ગુમ થઇ ગઇ હતી.
જે બાદ 29 જૂને રાત્રીને સમયે આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝની બંધ લેથ મશીનના કારખાનામાંથી આ કિશોરીની લાશ મળી હતી. કિશોરીની કોહવાયેલી લાશ જોઇને પરિવારજનો હતપ્રત થઇ ગયા હતા, તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો, જેમાં કિશોરીની માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. માથાના ભાગે સળિયા જેવા હથિયારથી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હોય તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ ઉપરાંત કિશોરીના ગુપ્તાંગમાં સળિયાથી ઇજા પહોંચાડવામાં આવી હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસે એવું તારણ કાઢ્યું છે કે આ કિશોરીની હત્યા કર્યા પહેલા તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે વધુ પુરાવા એકત્ર કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે સાથે સાથે આ કેસમાં વધુ વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે.
આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા SIT ની રચના કરવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચના ACP ની અધ્યક્ષતામાં ક્રાઇમ બ્રાન્ચ PI, આજી ડેમ પોલીસ સ્ટેશનના PI અને તેની ટીમોને તપાસ સોંપવામાં આવી છે. પોલીસે હાલમાં આરોપીને પકડવા માટે પાંચ અલગ અલગ ટીમો બનાવી છે. જેના દ્વારા કેટલાક શંકમંદોની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.આ વિસ્તાર અવાવરૂ છે અને અહીં લોકોની અવરજવર ખુબ જ ઓછી છે. એટલું જ નહિ અહીં આસપાસ સીસીટીવી કેમેરા પણ ન હોવાને કારણે પોલીસને આરોપીની ઓળખ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો : છેલ્લા બે દિવસથી ગુમ સગીરાનો મળ્યો મૃતદેહ, હર્ષ સંઘવીએ આપ્યો કડક કાર્યવાહીના આદેશ, જુઓ Video
રાજકોટનો નિર્ભયાકાંડ પોલીસ માટે એક પડકાર બની ગયો છે. પોલીસને આ કેસમાં હજુ સુધી કોઇ જ નક્કર કડી મળી નથી. આજે ઘટનાસ્થળની મુલાકાત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કરી હતી અને પોલીસ અધિકારીઓને તપાસમાં કેટલાક સૂચનો કર્યા હતા. આ કેસમાં ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, ત્યારે પોલીસ આરોપીને શોધવા પ્રયત્ન કરી રહી છે. જો કે રાજકોટમાં નરાધમના કૃત્યથી ચારેકોર ફિટકાર વરસી રહી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો