રાજકોટના એક મુસ્લિમ પોલીસ કર્મી છે હનુમાનજીના ભક્ત, 11 વર્ષથી પોલીસ હેડક્વાર્ટરમાં ધામધૂમથી કરે છે હનુમાન જયંતિની ઉજવણી

રાજકોટના (Rajkot) પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલા બાલાજી હનુમાનજી મંદિરમાં મારૂતિ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના એક મુસ્લિમ પોલીસ કર્મી છે હનુમાનજીના ભક્ત, 11 વર્ષથી પોલીસ હેડક્વાર્ટરમાં ધામધૂમથી કરે છે હનુમાન જયંતિની ઉજવણી
| Edited By: | Updated on: Mar 31, 2023 | 6:46 PM

આગામી 6 એપ્રિલને ગુરૂવારના રોજ હનુમાન જયંતિ છે. દેશભરના હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, ત્યારે રાજકોટના પોલીસ હેડક્વાર્ટરમાં મુસ્લિમ પોલીસકર્મી શબીર મલીક નામના વ્યક્તિ અને તેના મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિનું ભવ્ય આયોજન થવાનું છે. રાજકોટના પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલા બાલાજી હનુમાનજી મંદિરમાં મારૂતિ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શબીર મલીક નામના પોલીસકર્મી છેલ્લા 11 વર્ષથી આ જ પ્રકારે ભવ્ય આયોજન કરીને કોમી એકતા અને ભાઇચારાનો અનોખો સંદેશો આપે છે.

આ પણ વાંચો- Bhavnagar : ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય છતાં અસહાય સ્થિતિમાં, સબસીડીની સમય મર્યાદા વધારવા માગ

‘અહીં તમામ તહેવારોની ભવ્ય ઉજવણી થાય છે’

રાજકોટના ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શબીર મલીક નામના પોલીસ કોન્સટેબલે TV9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, પોલીસ હેડક્વાર્ટર એક પોલીસ પરિવાર છે અને અહીં તમામ તહેવારોની ભાઇચારાથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હું છેલ્લા 11 વર્ષથી પોલીસ હેડક્વાર્ટર ખાતે બિરાજમાન બાલાજી હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરૂ છું.

પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ પરિવારના મિત્ર વર્તુળ દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે અને તેમાં હજારો લોકોના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આ આયોજન માટે છેલ્લા 15 દિવસથી મંદિરના મિત્ર મંડળ દ્વારા મહેનત કરવામાં આવે છે અને હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાય છે. એટલું જ નહિ પોલીસ હેડક્વાર્ટરમાં તાજીયા પર્વની ઉજવણી પણ વિશેષ રીતે અને શ્રધ્ધાપૂર્વક થાય છે જેમાં પણ બંન્ને સમાજના લોકો સાથે જોડાય છે.

આ પ્રમાણે યોજાશે કાર્યક્રમ

બાલાજી મિત્ર મંડળ લાઇનબોય યુવા ગ્રુપ પોલીસ પરિવાર આયોજિત આ હનુમાન જયંતિએ ગુરૂવારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા બાલાજી મંદિર ખાતે આ ઉજવણી થશે. જેમાં સવારથી સાંજ સુધીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સવારે 8 વાગ્યાથી મારૂતિ યજ્ઞની શરૂઆત થશે. બાદમાં બપોરે 12 વાગ્યે બીડુ હોમવામાં આવશે, સાંજે 7 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સાંજે 7-30 કલાકથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ ગ્રહણ કરશે. રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે થતી ઉજવણીની ભવ્યતા એક આકર્ષણનું કેન્દ્ર છે સાથે સાથે કોમી એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…