રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શિતા શાહે રાજીનામું આપ્યા બાદ હવે રાજકોટને 33માં ડેપ્યુટી મેયર મળવાની તજવીજ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આગામી 20 માર્ચના રોજ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળવા જઇ રહ્યું છે જેમાં નવા ડેપ્યુટી મેયરનું નામ જાહેર કરવામાં આવશે. મહાનગરપાલિકાના શાસકો દ્વારા અરજન્ટ દરખાસ્ત લાવીને આ નામની જાહેરાત કરશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા અને 33માં ડેપ્યુટી મેયર તરીકે મહિલાને પ્રાધાન્ય મળે તેવી પુરી શક્યતા જોવા મળી રહી છે. હાલના તબક્કે ડો. દર્શના પંડ્યા અને વર્ષા રાણપરાનું નામ ચાલી રહ્યું છે. શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નામ અંગેનો નિર્ણય ભાજપનું મવડી મંડળ લેશે. પ્રદેશ કક્ષાએથી જનરલ બોર્ડના દિવસે નામ જાહેર કરવામાં આવશે અને પાર્ટીના નેતા તરીકે સંકલનની બેઠકમાં આ નામને જાહેર કરવામાં આવશે..
નવા ડેપ્યુટી મેયર તરીકે જે પણ કોર્પોરેટરને સ્થાન આપવામાં આવશે તેનો કાર્યકાળ છ મહિનાનો રહેવાની શક્યતા છે. મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,શાસક પક્ષના નેતા અને દંડક સહિતના નેતાઓની ટર્મ પુરી થવાને 6 મહિના જેટલો સમય બાકી છે ત્યારે હાલની સ્થિતિએ નવા 33માં ડેપ્યુટી મેયર તરીકે જે પણ કોઇની વરણી થાય તેનો કાર્યકાળ 6 માસનો રહેવાની શક્યતા છે.
ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ડો.દર્શિતા શાહ હોદ્દો ધરાવતા હતા. જો કે ગત વિધાનસભામાં દર્શિતા શાહ રાજકોટ પશ્વિમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા આથી ભારતીય જનતા પાર્ટીના એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ પ્રમાણે ડો.દર્શિતા શાહે સ્વૈચ્છિક રાજીનામૂં આપ્યું હતું જે બાદ હવે નવા હોદ્દેદારની નિમણુક કરવામાં આવશે. મહત્વનું છે કે આ વખતે રાજકોટ મહાનગરપાલિકાના ચાલુ કોર્પોરેટર પૈકી ડો. દર્શિતા શાહ અને ભાનુબેન બાબરીયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.