ગુજરાતમાં શિયાળાની સિઝનમાં વિવિધ પક્ષીઓ મહેમાન બનીને આવે છે, ગુજરાતમાં આવેલા તળાવોમાં અનેકવિધ પક્ષીઓ શિયાળાની મજા માણે છે. કચ્છ, નળ સરોવર, વડોદરા, જામનગરના વિવિધ તળવામાં અત્યારે યાયાવર પક્ષીઓ મહેમાન બનેલા છે, ત્યારે ગોંડલના વેરી તળાવમાં પણ વિદેશી પંખીઓનો મેળો જામ્યો છે.
રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલના વેરી તળાવમાં શિયાળામાં વિવિધ જાતના 40થી વધારે પ્રજાતિના પક્ષીઓ જોવા મળી રહ્યા છે. ગોંડલના સિનિયર પક્ષીપ્રેમી હિતેશભાઈ કદવેએ જણાવ્યું હતું કે વર્ષોથી ગોંડલના વેરી તળાવમાં શિયાળુ પ્રવાસી પક્ષીઓનું આગમન થાય છે.
છેલ્લા 35થી વધારે વર્ષોથી ગોંડલ તેમજ આસપાસના તળાવો પર આવતા વિદેશી પક્ષીઓની નોંધ રાખવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી રાજકોટ જિલ્લાના મોટાભાગના તળાવો આસપાસ ગેરકાયદેસર એંક્રોન્ચમેન્ટ અને મચ્છીમારીના કારણે સૌરાષ્ટ્રમાં શિયાળો પસાર કરવા આવતા આ વિદેશી મહેમાનોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે
જોકે હાલમાં વેરી તળાવ ખાતે બરહેડેડ ગુસ,રુડી શેલ્ડક,મલાર્ડ ડક,પેલીકન્સ, ફ્લેમિંગો,વાબગલી,ઘોમડાં,કાંજીયા, બ્લેક આઈબીસ,વ્હાઇટ આઈબીસ,ગ્લોસી આઈબીસ,પેન્ટેડ સ્ટોર્ક,ઓપન બિલ સ્ટોર્ક,કોમન ડક,ટિલિયાળી બતક,શોવેલર બતક,પીનટેઇલ બતક,ગજપાઉ, કિંગફિશર, પ્લોવર,નકટા બતક,ગાર્ગેનિ બતક,ટફટેડ પોચાર્ડ,કોમન પોચાર્ડ,કૂટ,સ્પૂનબીલ,ગ્રે હેરોન,પર્પલ હેરોન,નાના મોટા બગલા,કોમન કુંજ વગેરે વિવિધ જાતના દેશી અને વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે.
ત્યારે પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે વન વિભાગ અને સ્થાનિક ખેડૂતો અને લોકોને વિનંતી કરી હતી કે વિદેશના આકરા શિયાળાથી બચવા આ પરદેશી પારેવડાં લાખો કિલોમીટરનું અંતર કાપીને ગુજરાતમાં આવતા હોય છે ત્યારે તેમની સલામતી,નિર્ભયતાને કોઈ નુકશાન ન થાય અને તેઓ સુખરૂપ પરત પોતાના દેશ સ્થળે પરત પહોંચી જાય તે જરૂરી છે.
વિથ ઇનપુટ દેવાંગ ભોજાણી, ગોંડલ ટીવી9