Rajkot: કેટલાક લોકો સાથે જીવનમાં કોઈ એવી ઘટનાઓ બનતી હોય છે જેનાથી તેઓ એકદમ સ્વસ્થ હોવા છતાં અચાનક શરીરમાં મોટી ખોડ ખાપણ આવી જતી હોય છે. જેમાંથી કેટલાક લોકો હિંમત હારીને જીવનમાં બધું પૂરું થઈ ગયું છે તેમ માનીને હતાશ થઈ જતાં હોય છે. પરંતુ અહી રાજકોટમાં કઈક અલગ જ ઘટના સામે આવી છે.
રાજકોટના સ્મિત ચાંગેલા નામનો 18 વર્ષીય યુવક સ્મિતન જે માત્ર 3 મહિનાનો હતો ત્યારે તાવ આવ્યો અને તેમાં ન્યુરોપેથી નામની બીમારી થઇ. આ બીમારીના કારણે તેના હાથ પગની નસોમાં જે રીતે લોહી પહોચવું જોઈએ તે પહોંચવાનું બંધ થઈ ગયું અને હાથ-પગ ચાલતા બંધ થઈ ગયા. હાથ 50% ચાલે છે,
પરંતુ આંગળીઓથી કંઈ પકડી ન શકાય જેના લીધે તે કંઈ લખી શકતો નથી અને પગથી ચાલી નથી શકાતું જેથી તેને વ્હીલચેરનો સહારો લેવો પડે છે. હાથથી લખી ન શકતા તેણે હાર ન માની અને એક નવો જ કીમિયો શોધી કાઢ્યો. હાલના ડિજિટલ યુગમાં મોબાઈલ ટાઈપિંગ પણ એટલું જ જરૂરી છે. જેથી તેણે નાક વડે મોબાઈલમાં ટાઈપિંગ કરવાનું ચાલુ કર્યું અને તેમાં તેણે એટલી ફાવટ મેળવી કે આજે તેણે પોતાના નામે એક રેકોર્ડ સ્થાપિત કરી દીધો.
સ્મિતના નામે નાક વડે મોબાઈલમાં 151 અક્ષર અને 36 શબ્દો ટાઇપ કરવાનો રેકોર્ડ ઇન્ડિયા બુક રેકોર્ડ્સમાં નોંધાયો છે. હાલમાં સ્મિત બીકોમનો અભ્યાસ કરી રહ્યો છે. સ્મિત 10માં ધોરણમાં હતો ત્યારથી તેણે નાકથી ટાઇપ કરવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને હવે તેમાં તે માહેર થઈ ગયો છે અને કોઈ વ્યક્તિ સાથે ચેટ કરતા હોય તો ખ્યાલ પણ ન આવે કે તે નાકથી ટાઇપ કરી રહ્યો છે.એટલી સ્પીડ તેણે મેળવી લીધી છે.
આ પણ વાંચો: વીરપુરમાં વીજ પુરવઠો ખોરવાયો, વીજળી મળે તેવી PGVCL સમક્ષ ખેડૂતોની માગ
સ્મિત માત્ર ટાઇપ કરવામાં માહેર છે એવું નથી. તે ભણવામાં પણ એટલો જ હોશિયાર છે. તેણે 2022માં 12 કોમર્સમાં 99.97% PR મેળવી દિવ્યાંગ કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. સ્મિત બીકોમમાં અભ્યાસની સાથે UPSC પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યો છે અને તે IAS ઓફિસર બનવા માગે છે. સ્મિત પોતે દિવ્યાંગ હોવા છતાં હતાશ ન થઈને એકદમ પોઝિટિવ વલણ રાખીને જીવનમાં સફળતાના શિખરો સર કરવા માટે મક્કમ છે અને અન્ય યુવાનો કે જે જીવનમાં કંઈ ઘટના બને તો નિરાશ થઈને બેસી જાય છે તેમના માટે પ્રેરણા સમાન છે.