Rajkot: છેલ્લા એકાદ વર્ષથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસ સતત સામે આવી રહ્યા છે. જેનાથી ખૂબ નાની વયે યુવાનો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હાર્ટ એટેકથી યુવાનોના ટપો ટપ થતાં મોતથી ચારેકોર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ નવરાત્રિ નજીક છે ત્યારે નવરાત્રિની તૈયારીઓના ભાગ રૂપે ગરબા રસિકો 2-3 મહિનાઓ પહેલાથી જ ગરબાની પ્રેક્ટિસ અને ગરબા ક્લાસ શરૂ કરી દેતા હોય છે.
છેલ્લા કેટલાક દિવસથી ગરબા ક્લાસમાં અથવા ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે રાજ્યભરમાં અનેક યુવાનોના મોત થયા. જેનાથી રાજ્યભરમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે કારણ કે નવરાત્રિમાં રાજ્યના લાખો યુવાનો નવે નવ દિવસ ગરબે રમતા હોય છે. ત્યારે હાર્ટ અટૅકના અનેક બનાવો સામે આવે તેવી ભિતી સેવાઈ રહી છે. ત્યારે રાજકોટ કલેક્ટર તંત્ર પણ આ જોખમને લઈને સતર્ક થયું છે અને શહેરના અર્વાચીન ગરબા આયોજકો સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, IMA ના ડોકટરો અને 108ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં કલેકટર અને રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ ગરબા આયોજકોને કેટલાક સૂચનો કર્યા હતા તો IMA ના ડોકટર,108ના અધિકારી અને મીડિયા પાસેથી કેટલાક સૂચનો પણ સ્વીકાર્યા હતા.કલેકટરે ગરબા આયોજકોને કેટલાક સૂચનો આપ્યા હતા જે નીચે મુજબ છે.
આ ઉપરાંત રામભાઈ મોકરિયાએ પણ ગરબાના આયોજકોને ગરબાના રાઉન્ડ ટૂંકા રાખવા માટે સૂચન કર્યું હતું,આ ઉપરાંત કોઈ ખેલૈયાઓને ઈનામ મેળવવા માટે થાકી જાય તો પણ ગરબા ન રમવા માટેની સૂચના આપીને ગરબા ચાલુ થાય તે પહેલા એનાઉન્સમેન્ટ કરવું તેવી પણ સૂચના આપી હતી.આ ઉપરાંત રામભાઈ મોકરિયાએ સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ લેવા અંગેની રજુઆત સિવિલ સુપ્રિટેન્ડેન્ટને તેઓ કરવાના છે તેવું પણ જણાવ્યું હતું.આ ઉપરાંત રામભાઈ મોકરિયાએ એમ પણ જણાવ્યું હતું કે ભાજપમાં ડોકટર સેલના ડોકટરો પણ નવરાત્રી દરમિયાન સેવા આપશે.
IMA રાજકોટના પ્રેસિડેન્ટ પારસ શાહે પણ ખેલૈયાઓને ધ્યાનમાં રાખવા જેવા કેટલાક સૂચનો કર્યા હતા.જેમાં તેમણે જણાવ્યું હતું કે જો ગરબા રમતા વખતે કોઈ વ્યક્તિને શ્વાસ ચડે, ચક્કર આવે અથવા ખૂબ થાક લાગે, આંખોમાં અંધારા આવે તો તાત્કાલિક બેસી જવું અને સાથે રહેલા લોકોને પોતાને સારવાર અપાવવા માટે સતત જાણ કરવી તેવા સૂચનો કર્યા હતા અને આ સૂચનો ગરબા શરૂ થતાં પહેલાં આયોજકોએ ખેલૈયાઓને અનાઉન્સમેન્ટ દ્વારા જણાવવા માટે સૂચન આપ્યું હતું.
આ બેઠકમાં હૃદય રોગના હુમલા અંગે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો.જેમાં સપ્ટેમ્બર માસ દરમિયાન 108 એમ્બ્યુલન્સને હૃદય રોગ અંગેના 452 જેટલા કોલ રાજકોટ શહેર અને જિલ્લામાંથી મળ્યા હતા. જેમાં 324 જેટલા ઇમરજન્સી કોલ માત્ર શહેરમાંથી મળ્યા હતા. આ આંકડા ખરેખર ચિંતા ઉપજાવનારા છે. આ બેઠકમાં હાજર 108ના અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં 42 જેટલી 108 એમ્બ્યુલન્સ તૈનાત છે. જેમાં 22 જેટલી એમ્બ્યુલન્સ શહેરમાં છે. જે નવરાત્રિ દરમિયાન સતત ખડેપગે રહેશે.
આ ઉપરાંત 108 મશીનમાં AED (ઓટોમેટેડ એક્સટર્નલ ડિફ્રીબિલેટર) મશીન પણ રાખવામાં આવશે. જેનાથી દર્દીને છાતીના ભાગે ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગરબાના મોટા આયોજનોની આસપાસ 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે જેથી કોલ મળ્યે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પીડિત દર્દીને સારવાર માટે પહોંચાડી શકાય.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો