રાજ્યમાં ગેરકાયદે રીતથી કેટલાય લોકો વ્યાજ વટાવનો ગોરખ ધંધો કરી રહ્યા છે ત્યારે હવે પોલીસે આવા લોકો સામે લાલ આંખ કરી છે અને વ્યાજખોરો સામે પગલાં લેવાનું તથા નાગરિકોને જાગૃત કરવાનું કામ હાથ ધર્યું છે. આ અંગે રાજ્યમાં ઠેકઠેકાણે જાગૃતિ ડ્રાઇવ શરૂ થઈ છે જેથી લોકો પોલીસને ફરિયાદ કરી શકે છે. આ બાબત અંતર્ગત ધોરાજીમાં જેતપુરના વિભાગીય પોલીસ અધિકારી રોહિતસિંહ ડોડીયાની અધ્યક્ષતામાં વ્યાજ વટાવ રજૂઆત અંગે લોક દરબાર આયોજિત થયો હતો. જેમાં ધોરાજી શહેરના વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ તથા વેપારીઓ અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો અને ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જેતપુરના વિભાગીય પોલીસ અધિકારી રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે જે કોઈ વ્યતિ વ્યાજના ચક્રમાં ફસાયેલી હોય તે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે 24 કલાકમાં ગમે ત્યારે આધાર પુરાવા સાથે ફરિયાદ કરી શકે છે અને ફરિયાદ મળતાની સાથે જ ધોરાજી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે વ્યાજખોરો સામે પગલાં ભરશે તેમજ ગેર કાયદેસર રીતે વ્યાજનો ધંધો કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
પી.આઇ. અનિરુદ્ધ સિહ ગોહિલે જણાવ્યું હતું કે વ્યાજ વટાવના કારોબારનું એક વિષચક્ર શરૂ થયું છે જેમાં નિર્દોષ નાગરિકો સામાજિક રીતે પણ પ્રતાડિત થતા હોય છે ત્યારે આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. વ્યાજખોરીને ડામવાના લોક દરબારના કાર્યક્રમમાં વેપાર ઉદ્યોગ મહા મંડળના આગેવાનો તેમજ સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારો સહિત ધોરાજીના નાગરિકો જોડાયા હતા.
DYSP રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તેમજ બની બેઠેલા વ્યાજખોરો ઉપર નિયંત્રણ લાવવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસને એક્શનમાં આવેલી જોતા હાલ તો ધોરાજીમાં વ્યાજના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે લોકો ડરવાને બદલે કે આત્મહત્યા કરવાને બદલે પોલીસ પાસે આવે. પોલીસ ચોક્ક્સ પણે કડક પગલાં લેશે. લોક દરબારમાં વેપાર ઉદ્યોગ મહા મંડળના આગેવાનો તેમજ સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારો સહિત ધોરાજીના નાગરિકોએ આ બાબતને આવકારી હતી અને જણાવ્યું હતું કે આ પગલાંને કારણે વ્યાખોરીના ચક્રમાં ફસાયેલ કેટલા પરિવારોને મુક્તિ મળશે.
વિથ ઇનપુટ , હુસૈન કુુરેશી, ધોરાજી-ઉપલેટા, TV9
Published On - 1:12 pm, Fri, 6 January 23