
હવેથી રાજકોટ અને જુનાગઢ વચ્ચે એસટી વિભાગની ઈલેક્ટ્રિક બસ દોડશે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લીલી ઝંડી આપી પાંચ ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ રાજકોટ બસ પોર્ટ ખાતે કરવામાં આવ્યુ હતું. ત્યારે આ પ્રસંગે રાજકોટ વિભાગીય નિયામક જે. બી. કલોત્રાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના હેતુસર પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે ઈલેક્ટ્રિક બસો કાર્યરત કરવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે રાજકોટથી જૂનાગઢ રૂટમાં પ્રથમવાર પ્રદૂષણમુક્ત પાંચ ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરાયું છે. જેનું ભાડું રૂ.150 છે. આ તમામ ઇલેક્ટ્રિક બસોમાં 33 મુસાફર સીટો ઉપલબ્ધ છે અને એર કંડીશન સાથે સુસજ્જ છે. દરેક પેસેન્જર સીટની બાજુમાં ચાર્જિંગ પોઈન્ટ અને દરેક સીટની વિન્ડોના પીલર પર ઈમરજન્સી સ્વીચ આપેલી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા 100 દિવસનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે પૈકી 100 દિવસમાં 900 જેટલી નવી બસો ખરીદી કરીને શરૂ કરવાનું આયોજન છે. જેમાંથી 200થી વધારે બસો સ્લીપીંગ બસો હશે. મુસાફરોને બસ સ્ટેન્ડની અંદર પણ કોઈ મુશ્કેલી ન પડે અને સુવિધા તથા સ્વચ્છતા મળી રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
હર્ષ સંઘવીએ આજે બસના લોકાર્પણ સમયે બસ સ્ટેન્ડના વિવિધ વિભાગોની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. જેમાં તેઓએ ટોયલેટ બ્લોકમાં સફાઈની સમીક્ષા કરી હતી. સાથે સાથે કેન્ટીનમાં ફુડ ક્વોલિટીની સમીક્ષા કરી હતી અને અહીં જ અન્ય પદાધિકારીઓ સાથે ચાની ચુસકી પણ લગાવી હતી. સાથે સાથે બસપોર્ટ પર રહેલા મુસાફરો સાથે વાતચીત કરીને બસના સમય અંગે પણ સમીક્ષા કરી હતી. ઈલેક્ટ્રિક બસની લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ અને ડૉ. દર્શીતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિતભાઈ અરોરા ઉપસ્થિત રહ્યા હતા.