ગુજરાતમાં સૌપ્રથમવાર રાજકોટ એચ.આઇ.વી. પોઝિટિવ લોકો માટે ખાસ પી.એલ.વી. કેન્દ્ર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને આર.ડી એન.પી.પ્લસ ટ્રસ્ટ દ્વારા જૂના યુ.એલ.સી.બિલ્ડિંગ, જૂની કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ખાતેથી દર સોમવાર અને બુધવારે અરજદારો કાનૂની સહાય મેળવી શકશે. પી.એલ.વી. કેન્દ્ર શરૂ થવાથી કાનૂની સહાય મેળવવા માટે અરજદારોને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જવું નહિ પડે અને પી.એલ.વી. કેન્દ્ર ખાતે જ આર.ડી.એન.પી સંસ્થામાં જ ખાનગી અને અલાયદા વાતાવરણમાં જરૂરી માર્ગદર્શન અને સહાય મેળવી શકાશે.
આ અંગે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પી.એલ.વી. કેન્દ્ર શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લોકોની સેવાને બિરદાવી હતી તેમજ એચ. આઇ.વી. પોઝિટિવ લોકોને જરૂર પડ્યે આ કેન્દ્ર પાસેથી સલાહ લેવા અપીલ કરી હતી. અરજદારો એચ.આઇ. વી. હેલ્પલાઇન 1097 ઉપર પણ સંપર્ક સાધી શકે છે. એચઆઇવી પોઝિટિવ દર્દીઓને સમાજમાં કેટલીક સમસ્યાઓને સામનો કરવો પડતો હોય છે ત્યારે આ સેન્ટર આવા લોકો માટે આર્શિવાદરૂપ સાબિત થઇ શકે છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડો. એન.એચ.નંદાણીયા ,અધિક જિલ્લા ન્યાયાધીશ જે. ડી. સુથાર, પ્રાંત અધિકારી સંદીપ વર્મા, જિલ્લા ટી.બી. અને એચ.આઇ.વી.ઓફિસર ડો. ઘનશ્યામ મહેતા, આર.એન.ડી.પી. પ્લસ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમા ક્રિકેટ રમતા 4 યુવાનોને હાર્ટ એટેક આવવાનો થયો ખુલાસો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતની પેટર્ન એકસમાન !
રાજકોટ શહેર અને જિલ્લાના લોકોને તેઓની ફરિયાદના નિકાલ માટે ગાંઘીનગર સુધી ન જવું પડે તે માટે દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. આ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આજે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 15 જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નો તંત્ર સમક્ષ રજૂ કર્યા હતા. જેના નિરાકરણ માટેની તાકીદ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, ડીડીઓ દેવ ચૌધરી, એસપી જયપાલસિંહ રાઠોડ તથા અધિક કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.