રાજકોટના પરાપીપીપળીયામાં નિર્માણાધિન ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં પહેલીવાર અદ્યતન મશીન દ્વારા કાર્ડિયોલપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ કરવામાં આવ્યો છે. AIIMSના ડાયરેક્ટર અને પલ્મોનરી વિભાગના હેડ ડૉ. સી.ડી.એસ કટોચ તેમજ અન્ય ડૉક્ટર્સની ટીમની ઉપસ્થિતિમાં આ ટેસ્ટ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ ટેસ્ટની શરૂઆત થતા હવે એઈમ્સમાં ફેફસા અને હ્રદયને લગતા રોગોનું સચોટ નિદાન થશે.
રાજકોટ એઇમ્સ ખાતે ઓ.પી.ડી. તેમજ ટેલિમેડીસીન સેવાના પ્રારંભ બાદ ઇન્ડોર સેવાનો નજીકના સમયમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પૂર્વે અદ્યતન મશીન ઉપલબ્ધ બનતા શ્વસન તંત્રના રોગોને લગતા અને ફેફસાના દર્દીઓના રોગનું નિદાન કરવું સરળ બનશે.
ડો. કટોચના જણાવ્યા મુજબ વ્યક્તિની કસરત કરવાની ક્ષમતાને માપવા માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટ (CPET) નો ઉપયોગ કરવામાં આવે છે. શ્વાસની તકલીફનુ કારણ જાણવા માટે પણ આ ટેસ્ટ ઉપયોગી છે. આ મશીન દ્વારા ટેસ્ટ કરવામાં આવતા કસરત માટે શરીરનો પ્રતિભાવ સામાન્ય છે કે અસામાન્ય છે તે સમજવા માટે હૃદય, ફેફસાં અને સ્નાયુઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતી પરથી શ્વાસ લેવામાં તકલીફનું કારણ હૃદય, ફેફસાં અથવા સ્નાયુઓમાં કોઈ સમસ્યા છે કે નહીં તે જાણવામાં મદદ મળે છે.
આજકાલ કસરત કરતી વખતે કેટલાક લોકોને હૃદયરોગનો હુમલો થવાનું જાણવા મળે છે ત્યારે આ ટેસ્ટ કરાવવાથી હૃદય અને ફેફસાના રોગ ધરાવતા લોકોમાં હૃદય અથવા ફેફસાંને કારણે કસરતમાં કેટલી મર્યાદા છે તે નક્કી કરી શકાય છે. તેમજ રીપોર્ટના આધારે ડૉક્ટર્સ દ્વારા તેમને કસરત અંગે સૂચન કરવાથી વ્યક્તિને હૃદય રોગના હુમલાથી બચાવી શકાય છે.
એઇમ્સમાં CPETનો સૌ પ્રથમ ઉપયોગ કરવા માટે ડિરેક્ટર ડૉ. કટોચ ઉપરાંત ડૉ. સંજય સિંઘલ, ડૉ. કૃણાલ દિઓકર, ડૉ. અનેરી પારેખ સહિત વિવિધ વિભાગના તબીબો હાજર રહ્યા હતા. CPETની ટ્રાયલ દરમિયાન 23 વર્ષના યુવાનનો ટેસ્ટ કરાયો હતો. જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો
આ પણ વાંચો: Gujarati Video: રાજકોટમાં ઓક્સિજનની વાલ્વ કીટ ફાટતા મચી અફરાતફરી, દર્દીઓના જીવ જોખમમાં મુકાયા