
રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે હેતુથી નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગૌરવપથ સમાન કાલાવડ રોડ ફલાય ઓવરબ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ બ્રિજ ખૂબ જ ઉપયોગી છે. જો કે આ કામગીરી જોઇએ તેટલા વેગથી થઇ રહી નથી. જેના કારણે આ બ્રિજને ખુલ્લો મુકાતા હજુ સમય લાગી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર પ્રદિપ ડવે TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ બ્રિજ મે મહિનામાં ખુલ્લો મૂકવામાં આવી શકે છે.
રાજકોટના કાલાવડ રોડ પર તૈયાર થનારા આ ફલાયઓવર બ્રિજની એક વિશેષતા છે. રાજકોટના કેકેવી ચોક પર ચીમનભાઇ શુક્લ ઓવરબ્રિજ પહેલાથી જ આવેલો છે તેમ છતા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિષ્ણાંતોના અભિપ્રાય સાથે ઓવરબ્રિજ પર ફલાયઓવર બ્રિજ તૈયાર કરવાની ડિઝાઇન બનાવવામાં આવી હતી.
આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 129 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ બ્રિજની સમયમર્યાદા એપ્રિલ મહિનામાં પૂર્ણ થાય છે પરંતુ ધીમી ગતિએ કામ ચાલતુ હોવાને કારણે બ્રિજ તૈયાર થવામાં મે મહિના સુધીનો સમય લાગી શકે છે.
રાજકોટના મેયર પ્રદિપ ડવે દાવો કર્યો હતો કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેક બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ નાનામૌવા ઓવરબ્રિજ, રામાપીર ચોક ઓવરબ્રિજ, હોસ્પિટલ ચોક ટ્રાંગલ બ્રિજ અને જડ્ડુસ રેસ્ટોરન્ટ બ્રિજ તેમજ અંતે ગોંડલ ચોકડી સિંગલ પીલર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
હવે રાજકોટ શહેરના કાલાવડ રોડ પરના કેકેવી ફલાયઓવર બ્રિજનું મે મહિનામાં લોકાર્પણ થશે. આ સાથે માધાપર ચોકડીએ પણ રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે પણ ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૂપ સાબિત થશે.