Rajkot : આખરે રાઇડસ્ સંચાલકો અને તંત્ર વચ્ચે થયું સમાધાન, જન્માષ્ટમીના મેળામાં રાઇડસના નવા ભાવ નક્કી થતાં પ્લોટની હરાજી યોજાઈ

તંત્ર અને યાંત્રિક રાઇડસના સંચાલકો વચ્ચે રાઇડસના ભાવ વધારાની માગને લઈને વિવાદ ચાલી રહ્યો હતો જેને લઇને યાંત્રિક રાઇડસના પ્લોટસની હરાજી અગાઉ મોકૂફ રહી હતી. પરંતુ હવે તંત્ર અને રાઇડસના સંચાલકો વચ્ચે સહમતિ થતાં આજે પ્લોટ્સની હરાજી યોજાઈ હતી

Rajkot : આખરે રાઇડસ્ સંચાલકો અને તંત્ર વચ્ચે થયું સમાધાન, જન્માષ્ટમીના મેળામાં રાઇડસના નવા ભાવ નક્કી થતાં પ્લોટની હરાજી યોજાઈ
Janmashtami Fair
| Edited By: | Updated on: Aug 18, 2023 | 11:51 PM

Rajkot : સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એટલે કે જન્માષ્ટમીના મેળાને (Janmashtami Fair) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી 5થી 9 સપ્ટેમ્બર સુધી રસરંગ લોકમેળો યોજાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આ 5 દિવસીય મેળાનો મન ભરીને આનંદ લેતા હોય છે. રેસકોર્સ મેદાનમાં યોજાતા આ લોકમેળામાં અનેક મોટી રાઈડસ્ હોય છે. જેમાં બેસીને લોકો મેળાની મજા માણતા હોય છે.

આ પણ વાંચો Rajkot: PGVCLનો સપાટો, 4 મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી, વીજચોરી ભાવનગર સર્કલ અવ્વલ !

આ વખતે તંત્ર અને યાંત્રિક રાઇડસના સંચાલકો વચ્ચે રાઇડસના ભાવ વધારાની માગને લઈને વિવાદ ચાલી રહ્યો હતો જેને લઇને આ યાંત્રિક રાઇડસના પ્લોટસની હરાજી અગાઉ મોકૂફ રહી હતી. પરંતુ હવે તંત્ર અને રાઇડસના સંચાલકો વચ્ચે સહમતિ થતાં આજે પ્લોટ્સની હરાજી યોજાઈ હતી અને પ્લોટ્સ ફાળવવામાં આવ્યા હતા.

રાઈડ્સના ભાવમાં 20 રૂપિયાનો વધારો આપવાની હતી માગ

યાંત્રિક રાઈડ્સના સંચાલકોની માગ હતી કે તેમને રાઈડ્સના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરી આપવામાં આવે એટલે કે નાની રાઈડ્સના ભાવ 20માંથી વધારીને 40 રૂપિયા અને મોટી રાઈડ્સના ભાવ 30 માંથી વધારીને 50 રૂપિયા કરી આપવામાં આવે. પરંતુ આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી તથા ગરીબ, મધ્યમ અને તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં આવતા હોવાથી તેમને ધ્યાનમાં રાખીને રાઈડ્સના ભાવમાં સીધો 20 રૂપિયાનો ભાવ વધારો કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો અને તેમની પણ રજૂઆતને ધ્યાનમાં રાખીને 10 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો હતો.

જેને લઇને રાઈડ્સના સંચાલકો નારાજ હતા અને અગાઉ તેમણે હરાજીમાં ભાગ નહોતો લીધો. પરંતુ લાખો લોકોના હિતને ધ્યાનમાં રાખીને કલેક્ટર તંત્ર તેમની આ માગ સામે ઝુક્યું નહોતું અને રાઈડ્સ સંચાલકોને ચીમકી આપી હતી કે જો તેઓ આજે હરાજીમાં ભાગ નહિ લે તો રાઈડ્સના પ્લોટસની સીધી ફાળવણી કરી દેવામાં આવશે. જેથી રાઈડ્સના સંચાલકો કલેક્ટર તંત્ર સામે ઝુક્યા હતા અને 20ની જગ્યાએ રાઈડ્સના ભાવમાં 10 રૂપિયાનો વધારા માટે સહમત થયા હતા.

રાઈડ્સના 44 પ્લોટસની હરાજીમાં તંત્રને 1.42 કરોડની આવક

આજે યોજાયેલી હરરાજીમાં 44 જેટલા પ્લોટસની ફાળવણી કરવામાં આવી. જેમાં E કેટેગરીમાં 6 પ્લોટના રૂ.17.70 લાખ, F કેટેગરીમાં 4 પ્લોટના રૂ.7.20 લાખ, G1 કેટેગરીમાં 10 પ્લોટના રૂ. 36.35 લાખ, G2 કેટેગરીમાં 15 પ્લોટના રૂ.47.31લાખ તેમજ H કેટેગરીના 9 પ્લોટના રૂ.33.63 લાખ તથા A કેટેગરીના ખાણીપીણીના બે પ્લોટના રૂ 5.10 લાખ બોલી થતાં તંત્રને કુલ 1 કરોડ 42 લાખ 22 હજાર રૂપિયાની આવક થઈ હોવાનું લોકમેળા અમલીકરણ સમિતિના અઘ્યક્ષે જણાવ્યું છે.