રાજકોટના નિરાલી રિસોર્ટ ખાતે રવિવારની સાંજ દિવ્યાંગોની સાંજ બની ગઇ હતી. ખાનગી ડિઝાઇનીંગ કંપની દ્રારા 8 જેટલી પ્રગ્નાચક્ષુ દીકરીઓ પાસે રેમ્પ વોક કરાવવામાં આવ્યું હતું, આકર્ષક પોશાક સાથે યુવતીઓએ રેમ્પ વોક કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. યુવતીઓએ પ્રગ્નાચક્ષુ યુવતીઓ પણ પડકારો સામે ટકી શકે છે અને મહેનત કરવાથી કંઈપણ અશક્ય નથી તેવો સંદેશો લોકોને આપ્યો હતો.
ફેશન શો માં ભાગ લેનાર ઇંદુ શેખવાએ જણાવ્યું હતું કે અમે વી.ડી.પારેખ અંધ મહિલા સંસ્થા સાથે જોડાયેલા છીએ. આ ફેશન શોને લઈને અમે ખુબ જ ઉત્સાહી હતા કારણ કે ફેશન શોનું અમારૂ એક સપનું હતું કે અમે પણ આ ફેશન શોમાં રેમ્પ વોક કરીએ. આ ફેશન શો માટે અમે છેલ્લા 15 દિવસથી મહેનત કરતા હતા અને અમને આત્મવિશ્વાસ હતો જે પ્રમાણે અમે પરફોર્મસ કર્યું છે. આ સંસ્થા સાથે જોડાયેલા બોસ્કી નથવાણીનો પણ અમે આભાર માનીએ છીએ જેઓએ અમારી ફેશન ડિઝાઇનીંગ તરીકે પસંદગી કરી.
આ અંગે વધુ વિગતો આપતા બોસ્કી નથવાણીએ જણાવ્યું હતું કે હું ફેશન ડિઝાઈનિંગ શીખવું છું. મારો આ સાતમો ફેશન શો છે. અમે દરેક ફેશન શોમાં બોમ્બેથી લેકમે ફેશન મોડેલ બોલાવતા હોય છીએ. જેમાં સ્ટુડન્ટ્સે ડ્રેસિઝ ડિઝાઈન કર્યા હોય તે પહેરે છે. આ વખતે પણ અમારી સંસ્થાની મોડેલે ભાગ લીધો છે પરંતુ તેની સાથે પ્રગ્નાચક્ષુ યુવતીઓએ પણ રેમ્પ વોક કર્યું હતું. આ ફેશન શોમાં આકર્ષક ડ્રેસ સાથે યુવતીઓ માટે ડાન્સ ફન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. થોડા સમય માટે પ્રગ્નાચક્ષુ યુવતીઓ પાસે કામ કરાવવું અધરૂ લાગ્યુ હતું પરંતુ સતત પ્રેક્ટિસને કારણે આ કામ આસાન થયું છે.
આ ફેશન શોમાં ભાગ લેનાર તમામ સ્પર્ધક યુવતિઓ પણ ઘણી ઉત્સાહિત જણાઈ હતી. તેમણે પણ સામાન્ય યુવતીઓની જેમ સ્ટેજ પર પરફોર્મ કર્યુ હતુ. જો કે તેમની પાછળ તેમની તનતોડ મહેનત પણ રહેલી છે. કહેવાય છે કે ઈશ્વર એક ખામી રાખી દે તો અન્ય ખૂબી આપી જ દે છે. એ જ રીતે આ યુવતીઓમાં પણ ભારોભાર ટેલેન્ટ છે. આજે ફેશન શોમાં પણ આંખે દેખાતુ ન હોવા છતા તેમણે સામાન્ય ફેશન શો ની જેમ જ તેમની ખૂબસુરતીના કામણ પાથર્યા હતા. જે જોઈને ત્યાં હાજર સહુ કોઈ બે ઘડી મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
Published On - 11:47 pm, Mon, 19 December 22