Rajkot: ગત 27 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હિરાસર ખાતે ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે નવા ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગામી 10 સપ્ટેમ્બરથી ફલાઇટની અવર જવર શરૂ થશે.આજે રાજકોટના જૂના ઍરપોર્ટનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરે નો ફ્લાય ડે છે. એટલે રાજકોટમાં જૂના કે નવા કોઈપણ ઍરપોર્ટ પરથી એક પણ ફ્લાઈટ ઉડાન નહિ ભરે અને 10 સપ્ટેમ્બરથી હિરાસર ઍરપોર્ટ કાર્યરત થશે. અત્યાર સુધી રાજકોટનું રેસકોર્સ નજીક આવેલું ડોમેસ્ટિક ઍરપોર્ટ પર ફલાઇટની અવરજવર શરૂ છે. ત્યારે રાજકોટના ડોમેસ્ટિક ઍરપોર્ટ પરથી છેલ્લી ફ્લાઈટ ઉપડી હતી અને મુસાફરોએ પોતાના રાજકોટ ઍરપોર્ટ સાથેની વર્ષો જૂની સ્મૃતિઓ વાગોળી હતી.
રાજકોટનું રેસકોર્સ નજીક આવેલું જૂનું ડોમેસ્ટિક ઍરપોર્ટ 1948માં નિર્માણ પામ્યું હતું એટલે કે 75 વર્ષ જૂનું રાજા રજવાડાઓ સમયથી આ ઍરપોર્ટ કાર્યરત હતું. પહેલા રાજા રજવાડાઓ આ ઍરપોર્ટ પરથી મુસાફરી કરતા હતા ત્યારબાદ સરકાર દ્વારા રાજવી પાસેથી લીઝ પર જગ્યા લઈને સિવિલ ઍરપોર્ટ બનાવવામાં આવ્યું. તે સમયે રાજકોટથી મુંબઈની એક માત્ર ફ્લાઈટ હતી અને તે પણ 45 જેટલા મુસાફરો બેસી શકે તેવા નાના પ્લેન હતા. એક સમયે આ ઍરપોર્ટ માત્ર એક ફ્લાઈટથી શરૂ થયું હતું. રાજકોટ ઍરપોર્ટએ રાજકોટ અને સૌરાષ્ટ્રની ઉત્તરોતર પ્રગતિ અને વિકાસનું સાક્ષી રહ્યું છે.
આજે રાજકોટ જૂના ઍરપોર્ટની છેલ્લી ફલાઇટમાં મુસાફરી કરનારા લોકોએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ઍરપોર્ટ રેસકોર્સ નજીક શહેરની એકદમ અંદર આવેલું હોવાથી શહેરના કોઈપણ સ્થળેથી વધુમાં વધુ 15થી 20 મિનિટમાં પહોંચી જવાતું હતું. જે હવે હિરાસર ખાતે ખસેડાતા લોકોને 45 મિનિટથી લઈને એક કલાક સુધીનો સમય લાગશે એટલે આ એક કારણથી રાજકોટ ઍરપોર્ટ યાદ આવશે તેવું એક મુસાફરે જણાવ્યું હતું.આ ઉપરાંત અન્ય એક મુસાફરે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી રાજકોટ ઍરપોર્ટ પરથી મુસાફરી રહ્યા છે અને તેમની અનેક યાત્રાનું રાજકોટ ઍરપોર્ટ સાક્ષી રહ્યું છે.
રાજકોટથી હિરાસર ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું અંતર 32 કિલોમીટર જેટલું છે. જ્યાં પહોંચવામાં 45 મિનિટથી એક કલાક જેટલો સમય લાગે છે. ત્યારે એસટી વિભાગ દ્વારા બસો મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી. જેને અનુલક્ષીને એસટી વિભાગ દ્વારા રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી 8 જેટલી ઇલેક્ટ્રિક બસો મૂકવામાં આવી છે. દર 2 કલાકે રાજકોટ બસપોર્ટથી હિરાસર ઍરપોર્ટ જવા માટે અને હિરાસર ઍરપોર્ટથી રાજકોટ બસપોર્ટ આવવા માટેની બસો મળશે.
રાજકોટ બસપોર્ટથી સવારે 6થી સાંજે 7 વાગ્યા સુધી દર 2 કલાકે અને હિરાસર ઍરપોર્ટથી સવારે 7 થી સાંજે 8 વાગ્યા સુધી દર 2 કલાકે એસટી વિભાગની ઇલેક્ટ્રિક બસો મળશે.જેનું ભાડું એસટી વિભાગ દ્વારા 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હિરાસર જવા માટે ખાનગી ટેક્સી પણ મળશે. જેનું ભાડું ટેક્સી એસોસિયેશન દ્વારા 2 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો