
Rajkot: મેડિકલ ક્ષેત્રે ભાગ્યે જ જોવા મળતા જટીલ કિસ્સામાં ડોક્ટરની કુશળતાની પરીક્ષા લેવાતી હોય છે. તાજેતરમાં જ પદ્મકુંવરબા હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં મહિલા અને બાળકનું જીવન બચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.
ગાયનેક સર્જન ડૉ.પાર્થ હિરપરાના જણાવ્યા મુજબ, 32 વર્ષીય અનુરાધાબેન પ્રસૂતા મહિલાને ગર્ભાશયના મુખ પર બાળકના માથાના ભાગ નીચે 10 સે.મી.ની ગાંઠ થયેલી. ગાંઠના લીધે બાળકના જન્મની સાથે ઓપરેશન કરવું જરૂરી હતું. આ સર્જરી ખુબ જ જોખમી હોવાથી અનેક ખાનગી હોસ્પિટલો દ્વારા તેમને દાખલ કરવાની મનાઈ કરી હતી. જેથી તેઓ અહીં પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ થયા હતા.
ડૉ. હિરપરા આ સર્જરી અંગે વિગતે માહિતી આપતા જણાવે છે કે, બાળકને સિઝેરિયન દ્વારા જન્મ આપવાનું નક્કી કરવામાં આવ્યું. સિઝેરિયન દરમિયાન ગાંઠના ભાગને સાઈડમાં કરી બાળકનો સુખરૂપ રીતે જન્મ કરાયો હતો. ત્યારબાદ સર્જરી દરમ્યાન લોહી ખુબ વહેવાની શક્યતા વચ્ચે ગર્ભાશયની ગાંઠની જટિલ સર્જરી પાર પાડી. હાલ માતા તેમજ બાળક બંને સ્વસ્થ છે.
ડૉ. પાર્થ જણાવે છે કે, મોટાભાગે 40 વર્ષ પછી મહિલાઓમાં ગર્ભાશયમાં આ પ્રકારની ફાઈબ્રોઈડ ગાંઠ થતી જોવા મળે છે ત્યારે તેમનું ઓપરેશન કરી ગર્ભાશય બહાર કાઢી લેવામાં આવે છે. પરંતુ આ મહિલાના કિસ્સામાં તેઓનું પ્રથમ બાળક હોય ગર્ભાશય સલામત રહે તે મોટી જવાબદારી હતી. આ ઉપરાંત પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે (ટોટલ લેપ્રોસ્કોપિક હિસ્ટરેકટમી) દૂરબીન વડે કોથળી કાઢવાની અનેક સર્જરી કરી આપવામાં આવી હોવાનું ડૉ.પાર્થ જણાવે છે.
પદ્મકુંવરબા હોસ્પિટલના હેડ ડો. તરીષા મર્ચન્ટના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં રાજકોટ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ગાયનેક વિભાગમાં પ્રથમ નંબરે રહેલી છે. રાજ્ય સરકાર દ્વારા ‘’સ્વસ્થ માતા સ્વસ્થ બાળ’’ અભિયાનને સાર્થક કરતી પદ્મકુંવરબા હોસ્પિટલની ટીમ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:08 pm, Tue, 18 July 23