Rajkot : રાજકોટમાં કોંગ્રેસના (Congress) કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસમાં કેટલીક બાબતોને ધ્યાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ (Education Department) અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) સત્તાધીશોનું બેસણું યોજી અનોખો વિરોધ યોજ્યો હતો. જેમાં યુનિવર્સિટી પાસે શૈક્ષણિક ખર્ચ માટે એક રૂપિયાની ગ્રાન્ટ ન હોવાથી જૂની રીતિ રિવાજોમાં સગા સંબંધીઓની જેમ બેસણામાં ઘરવખરી અને અનાજ તેઓના પરિવાર માટે લઈજઈને મદદ કરતા તેમ આજે કાર્યકરો બેસણામાં કેમ્પસના ભવનો માટે સ્ટેશનરી વસ્તુઓ અને રોકડ પૈસા લઈને પહોંચ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વારંવાર અનેક વિવાદો આવતા રહે છે. ત્યારે NSUIનો આક્ષેપ છે કે સત્તાધીશો વહીવટી બાબતે નિષ્ફળ રહી શિક્ષાનાધામને રાજકીય,ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બનાવ્યો છતાં રાજ્યના શિક્ષણવિભાગનું પેટનું પાણી કેમ નથી હલતુ?
કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે TV9 સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે વિવાદોનો પર્યાય બની હોય તેમ કોઈને કોઈ વિવાદ,ભ્રષ્ટાચાર અને કૌભાંડો અટકવાનું નામ નથી લેતા અને બીજી તરફ ભૂતકાળમાં પણ વહીવટી બાબતોમાં થયેલી ભુલોમાંથી શીખવાના બદલે સત્તાધીશોનો ટાંટિયા ખેંચ ખેલ રમાતો હોય તેમ નવા નવા વિવાદો વધારીને શિક્ષણની સ્થિતિ કંગાળ કરી રહ્યા છે. કાર્યકારી કુલપતિ પોતે ખુરશીની સતાના અહંમમાં જુથવાદી કિન્નાખોરીના દાવપેચ રમી રહ્યા છે. કુલપતિ તો નજીકમાં સેનેટની ચૂંટણીના સોગઠાં અને પ્રચારમાં લાગી ગયા છે તેવો ગંભીર આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો.
આ બેસણાના કાર્યક્રમમાં વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત, NSUIના પ્રદેશ મહામંત્રી અને NSUIના કાર્યકરો જોડાયા હતા.