ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Pradesh Congress) દ્વારા તાજેતરમાં સંગઠનના નવા માળખાંની જાહેરાત કરી છે.આ માળખામાં રાજકોટ (Rajkot) શહેરના પાટીદારોને સ્થાન ન મળતા પાટીદાર સમાજમાં ઉકળતો ચરૂ જોવા મળ્યો છે. પાટીદાર (Patidar) સમાજના નેતાઓએ એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં પાટીદાર સમાજના નેતાઓએ કોંગ્રેસ વિરુધ્ધ એક કમિટી બનાવી છે, જે કમિટી દ્રારા કોંગ્રેસના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર (boycott) કરવાની જાહેરાત કરાઇ છે.જ્યાં સુધી યોગ્ય પ્રતિનિધીત્વ નહિ મળે ત્યાં સુધી કોંગ્રેસના પાટીદાર નેતાઓ કોંગ્રેસના એકપણ કાર્યક્રમમાં નહિ જોડાય.
આ અંગે કોંગ્રેસના નેતા મિતુલ દોંગાએ કહ્યું હતું કે સંગઠનમાં પાટીદાર નેતૃત્વની પહેલાથી અલગણના કરવામાં આવી છે.શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અત્યાર સુધીમાં એકપણ વાર પાટીદાર નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી એટલું જ નહિ પ્રદેશમાં પણ રાજકોટના એકપણ પાટીદારને સ્થાન અપાયું નથી જેનો સમાજમાં ભારે રોષ છે.
આ અંગે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું હતું કે કોંગ્રેસ પાટીદાર સમાજને પ્રભુત્વ આપે છે.જો કે રાજકોટની વાત છે ત્યાં સુધી સિનિયોરીટી પ્રમાણે સ્થાન આપવામાં આવ્યા છે અને હજું પણ મંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂક બાકી છે જેમાં તમામ સમાજને સમાવવામાં આવશે.જો કે વિરોધ કરનાર સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે કાર્યકર્તાની જે રજૂઆત હોય તે પાર્ટી ફોરમમાં રજૂઆત કરવી જોઇએ આ રીતે બ્લેકમેલિંગ કરવું પ્રેસર ટેકનિક અપનાવવી ખૂબ જ અયોગ્ય છે. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેષ વોરા,પૂર્વ કોર્પોરેટર સંજય અજુડિયા,મનસુખ કાલરિયા,મિતુસ દોંગા,અભિષેક તાળા,તુષાર નંદાણી સહિત તમામ વોર્ડના કોંગ્રેસના કડવા લેઉવા પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.