Rajkot: મિશ્રઋતુના કારણે શરદી-ઉધરસ, તાવ અને ઝાડા ઉલટીના કેસ વધ્યા, દર્દીઓથી ઉભરાઈ રહી છે સરકારી અને ખાનગી હોસ્પિટલો

Rajkot: રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી લોકો મિશ્રઋતુનો અનુભવ કરી રહ્યા છે. સરકારી-ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શરદી ઉધરસ, અને તાવના કેસ વધ્યા છે. તો ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા છે. રોગચાળો વકરે નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ, દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Rajkot: મિશ્રઋતુના કારણે શરદી-ઉધરસ, તાવ અને ઝાડા ઉલટીના કેસ વધ્યા, દર્દીઓથી ઉભરાઈ રહી છે સરકારી અને ખાનગી હોસ્પિટલો
| Edited By: | Updated on: Apr 04, 2023 | 6:59 PM

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી લોકો મિશ્રઋતુનો અહેસાસ કરી રહ્યા છે. બપોરે અસહ્ય ગરમી અને વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડકને કારણે રોગચાળો બેકાબુ બન્યો છે. રાજકોટ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાલમાં દર્દીઓથી ઉભરાઈ રહી છે અને ઘરે ઘરે માંદગીના ખાટલાં જોવા મળી રહ્યા છે. વાયરલ ઇન્ફેકશનના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. શરદી ઉઘસર અને તાવને લગતી બીમારીના કેસોમાં વધારો થયો છે.

સરકારી ચોપડે નોંધાયેલા આંકડા

રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં

  • શરદી ઉધરસ 327 કેસ
  • સામાન્ય તાવના 37 કેસ
  • ઝાડા ઉલટીના 82 કેસ

આ આંકડાઓ વાસ્તવિક આંકડાઓથી ખુબ જ ઓછા હોય તેવું લાગી રહ્યું છે. જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં પાંચ હજારથી વધારે કેસ નોંધાઇ ચૂક્યા છે જે ગત વર્ષ કરતા ખુબ જ વધારે છે. જો કે આ આંકડાઓ માત્ર સરકારી હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરના છે. જ્યારે અહીંથી ખુબ જ ખરાબ સ્થિતિ ખાનગી હોસ્પિટલોની છે.

કોરોનાના કેસોમાં પણ વધારો

વાઇરલ ઇન્ફેકશનના કેસ જે રીતે વધી રહ્યા છે તેની સાથે સાથે કોરોનાના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે એક્ટિવ કેસનો આંક 140 સુધી પહોંચી ગયો છે. જેમાં માત્ર 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે 138 જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

આ પણ વાંચો: Rajkot: શહેરમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, હાઈવે પર દારૂના નશામાં ભાન ભૂલેલો શખ્સ રસ્તા પર સૂઈ ગયો

રોગચાળાને ડામવા તંત્રનો એકશન પ્લાન

રોગચાળો વકરે નહિ તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ફોગિંગ, દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહમાં 9733 ઘરોમાં પોરા નાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો જ્યારે 205 જેટલા ઘરોમાં ફોગિંગ હાથ ધરવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ડેંંગ્યુ ચીકનગુનિયા જેવા કેસો વધે નહિ તે માટે 271 રહેણાંક મકાનને નોટિસ આપવામાં આવી.

15 કોમર્શિયલ મકાનોને નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્રારા લોકોને આ ઋતુમાં ઠંડાપીણાનો ઉપયોગ ન કરવા, વાસી અને ખુલ્લામાં પડેલો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે. જરા પણ અસર જણાય તો તુરંત જ તબીબની સલાહ લઇને જરૂરી દવા લેવાની સૂચના આપવામાં આવી છે.