રાજકોટવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેનો હવે અંત આવવા જઈ રહ્યો છે. રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર kkv ચોક ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. જેનું આવતા રવિવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરે તેવી શક્યતા છે. આખરે અઢી વર્ષ બાદ આ બ્રીજ બનીને તૈયાર થયો છે. જેથી દરરોજના હજારો વાહનચાલકોને થઈ રહેલી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે.
KKV ચોક ઓવરબ્રિજએ રાજકોટનો સૌપ્રથમ સેકંડ લેવલ એલિવેટેડ ઓવરબ્રિજ છે એટલે એક ઓવરબ્રિજ હયાત છે તેની પર અન્ય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. KKV ચોક 150 ફૂટ રિંગરોડ અને કાલાવડ રોડને જોડે છે. જેમાં 150 ફૂટ રિંગરોડ પર પહેલેથી જ ઓવરબ્રિજ હયાત છે. હવે kkv ચોક પર જ કાલાવડ રોડ પર પણ વૃક્ષ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી નીચેથી પસાર થતા વાહનોની સંખ્યામાં ઘટાડો થશે અને ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. નવો ઓવરબ્રિજ કોટેચા ચોકની આગળથી શરૂ થઈને kkv ચોક થઈને આત્મીય કોલેજ પાસે મહાનગર પાલિકાના સ્નાનાગાર પાસે પૂરો થશે.
KKV ચોક ઓવરબ્રિજ 129 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. 1.15 કિલોમીટર આ ઓવરબ્રિજની લંબાઈ છે અને 15.50 મીટર બ્રીજની પહોળાઈ છે. આ ઉપરાંત ઓવરબ્રિજની નીચે બંને તરફ સર્વિસ રોડ અને ઓવરબ્રિજની નીચેની જગ્યાનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવશે. તે સિવાય ફૂટપાથ અને વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જ્યારથી ઓવરબ્રિજનું કામ શરૂ થયું ત્યારથી એટલે કે છેલ્લા અઢી વર્ષથી રાજકોટ વાસીઓ kkv ચોક નજીક પારાવાર ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કારણકે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી વાહનચાલકોને આજુબાજુમાં આવેલી નાની નાની શેરીઓમાથી અનેક વાર પસાર થવું પડતું હતું જેથી તેમનો સમયનો બગાડ થતો હતો. જોકે ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે પરંતુ ઓવરબ્રિજ પર અમુક જગ્યાએ ફિનીશિંગનું કામ ચાલી રહ્યું છે જે આવતા ગુરુ-શુક્રવાર સુધીમાં પૂરું થઈ જશે અને સીએમ ઓફિસ તરફથી મુખ્યપ્રધાનનો આવતા રવિવાર એટલે કે 23 જુલાઈનો સંભવિત સમય આપવામાં આવ્યો છે. જેથી આવતા રવિવારથી રાજકોટવાસીઓને આ ઓવરબ્રિજ મળી જશે અને હમેશા માટે ટ્રાફિક સમસ્યામાથી મુક્તિ મળી જશે.
આ પણ વાંચો : ગોંડલમાં SMCની વિદેશી દારૂની રેડ બાદ 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ
2021માં આ ઓવરબ્રિજનું કામ શરૂ થયું હતું અને જાન્યુઆરી 2023માં એટલે કે 2 વર્ષમાં આ કામ પૂર્ણ કરવાની મુદ્દત હતી. પરંતુ
બે વર્ષના બદલે અઢી વર્ષે તૈયાર થયો છે. રણજીત બિલ્ડકોન દ્વારા આ અગાઉ આપેલી 2 મુદ્દતો જતી રહી હતી અને વારંવાર મનપા દ્વારા નોટિસ પણ રણજીત બિલ્ડકોનને આપવામાં આવી હતી. જ્યારે બીજી મુદ્દત જતી રહી અને કામ પૂર્ણ નહોતું થયું ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલએ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ બિલિંગ સમયે કોન્ટ્રાક્ટ એજન્સીને પેનલ્ટી અંગે નિર્ણય લેવામાં આવશે. તો હવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.જેથી જોવાનું રહેશે કે રણજીત બિલ્ડકોનને મનપા દ્વારા પેનલ્ટી કરવામાં આવે છે કે નહિ.