રાજકોટમાં ગુંદાવાડી વિસ્તારમાં આવેલી ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં ગત 7 તારીખે ગુરુવારે મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ કોઈ અકસ્માતથી નહિ પરંતુ જાણી જોઈને ષડયંત્ર કરીને કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ધંધાકીય હરીફાઈમાં ષડયંત્ર રચીને બ્લાસ્ટ કર્યું હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય પણ આ કેસમાં અનેક ખુલાસા થયા છે.
આ પણ વાંચો-Jamnagar જિલ્લા પંચાયતમાં સ્ટાફના અભાવે અનેક કામો અટવાયા, સ્ટાફ ભરતી માટે ચેરમેનની CMને રજુઆત
ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને પોતાની સાથે લાવેલુંં પાર્સલ ભૂલી ગયાનું નાટક કર્યું હતું, રાત્રે દુકાન બંધ કરતી વખતે ફરિયાદી ભવારામે તે પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધરાતે તે પાર્સલમાંથી ધડાકાબાદ આગ ભભૂકી ઊઠી હતી. શરૂઆતમાં તો આ એક અકસ્માત લાગી રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં સીસીટીવીના આધારે સામે આવ્યું કે આ કોઈ અકસ્માત નહિ પરંતુ એક ષડયંત્ર છે.
તપાસ દરમિયાન જે મહિલા દુકાનમાં પાર્સલ મૂકીને ગઈ છે તેની ધરપકડ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી કે એસટી બસપોર્ટ નજીક મોબાઇલ એસેસરીની દુકાન ચલાવતા કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેનો સાળા શ્રવણ દ્વારા ધંધાકીય અદાવત રાખી બ્લાસ્ટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. બન્ને સાળા બનેવીની પૂછપરછમાં પાર્સલ મૂકી જનાર મહિલા ડોલી પઢેરિયા નામની 32 વર્ષની યુવતીનો ઉપયોગ કર્યો હતો.
જે દુકાનમાં બ્લાસ્ટ થયો તે ગુજરાત મોબાઈલ નામની દુકાન ચલાવનાર ભવારામ અને આરોપી કલારામ બંને રાજસ્થાનના છે અને એક બીજાને ઓળખે છે અને બંને મોબાઈલ એસેસરીઝની ભાડાની અલગ અલગ દુકાન ચલાવે છે. બંનેની દુકાનનો માલિક એક જ છે. જ્યારે થોડા સમય પહેલા ફરિયાદી ભવારામે આરોપી કલારામ પાસેથી દુકાન ખાલી કરાવી પોતાને ભાડે આપવા કહ્યું હતું. જે વાતનો ખાર રાખી આરોપી કલારામે ભવારામની દુકાનમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચ્યું.
કલારામ અને તેનો સાળા શ્રવણે સૂતળી બોમ્બનો દારૂ કાઢી તેને એક કોથળીમાં નાખ્યો હતો અને અને તેમાં મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ટાઈમરનો ઉપયોગ કરી તેમાં ટાઈમ સેટ કરી દેશી બનાવટનો બોમ્બ બનાવ્યો હતો. યુ ટ્યુબમાંથી જોઈને આ આરોપીઓએ દેશી ટાઈમ બોમ્બ બનાવ્યો હતો.
બોમ્બ તૈયાર થઇ ગયા બાદ કલારામે પોતાની દુકાનેથી હોલસેલમાં મોબાઇલ એસેસરીઝ લઇ જઇને પોતાની રીતે ઓનલાઇન વેપાર કરતી ડોલી પઢેરીયાને પોતાના ષડયંત્રમાં સામેલ કરી અને બોમ્બનું પાર્સલ ગુજરાત મોબાઇલમાં મૂકી આવવાનું કામ તેને સોંપ્યું હતું. જેથી ડોલી ગુરુવારે સાંજે પાર્સલ મૂકીને જતી રહી હતી અને મધરાતે તે બોમ્બ 2.48 વાગ્યે બ્લાસ્ટ થયો હતો.
બૉમ્બ બનાવનાર આરોપીઓએ પાર્સલ મુકનાર ડોલીને આ બોક્સમાં વોઇસ રેકોર્ડર હોવાનું જણાવ્યું હતું અને દુકાનમાં ધંધા હરીફાઈ અંગે ઓડિયો રેકોર્ડિંગ કરવાનું હોવાથી આ પાર્સલ ત્યાં મુકવા માટે આરોપીએ કહ્યું હતું. આ પાર્સલમાં બૉમ્બ છે એ અંગે ડોલી અજાણ હતી. પોલીસે આઇપીસી કલમ 436, 286, 120 બી, તેમજ એક્સપ્લોઝિવ એકટ 1908 ની કલમ 3, 5, 6, મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…