રાજકોટ: પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલું ભીચરી માતાનું મંદિર, જાણો શું છે માન્યતા

ભીચરી માતાજીની માનતાથી ઘણા બધા રોગો દૂર થતાં હોવાની માન્યતા છે. ધોળાડાઘ, કાળા ડાઘ, મસા, ખંજવાળ, એપેન્ડિક્સનો દુખાવો,આંખ - કાનનો દુખાવો, માથાનો, પગનો અને કમરનો દુખાવો, પથરીનો દુખાવો અહીંયાની માનતા રાખવાથી દુર થતી હોવાની માન્યતા છે.

રાજકોટ: પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલું ભીચરી માતાનું મંદિર, જાણો શું છે માન્યતા
| Edited By: | Updated on: Mar 13, 2023 | 9:54 AM

રાજકોટ નજીક પૌરાણીક ભીચરી માતાજીનું મંદિર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલું છે. આ મંદિર 5 હજાર વર્ષ કરતા પણ વધુ પૌરાણીક હોવાનું માનવામાં આવે છે. અહીંયા એક અનોખી માનતા રાખવાથી લોકોના રોગો દૂર થાય એવી માન્યતા છે. ગુજરાત અને દેશભરમાંથી લોકો પોતાના રોગો દૂર થતાં અહીંયા માનતા પૂરી કરવા આવે છે.

આ પણ વાંચો : Rajkot: અખીલ ભારતીય OBC મહાસભાનું મળ્યુ અધિવેશન, રાજ્યભરમાંથી OBC આગેવાનો રહ્યા હાજર

આ રોગો માટે લોકો માને છે માનતા

ભીચરી માતાજીની માનતાથી ઘણા બધા રોગો દૂર થતાં હોવાની માન્યતા છે. ધોળાડાઘ, કાળા ડાઘ, મસા, ખંજવાળ, એપેન્ડિક્સનો દુખાવો,આંખ – કાનનો દુખાવો, માથાનો, પગનો અને કમરનો દુખાવો, પથરીનો દુખાવો અહીંયાની માનતા રાખવાથી દુર થતી હોવાની માન્યતા છે. હજારોની સંખ્યામાં લોકો અહીંયાની માનતા રાખવાથી આવતા હોય છે.

મીઠાની માનતા

ભીચરી માતાજીના મંદિરની એક વાત ખૂબ જ અનોખી છે. અહીંયા કોઈ રાજભોગ કે મોટા જમણવારની માનતા નહિ પરંતુ માત્ર મીઠાની માનતા રાખવામાં આવે છે. જેટલા કિલો મીઠાની માનતા કરી હોય,તેનાથી ડબલ મીઠું માનતા પૂરી થતાં ચડાવવાનું હોય છે. જેમકે 2 કિલો મીઠાની માનતા રાખી હોય તો માનતા પૂરી થતાં 4 કિલો મીઠું ચડાવવાનું રહે છે. આ ઉપરાંત મંદિરની જ બાજુમાં એક લપસીયા જેવો ઢાળ છે. માનતા રાખવા અહીંયા 7 વાર લપસિયા ખાવાની હોય છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને લપસિયા અને મીઠાની માનતા કરે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ અહીંયા લપસિયા ખાતા જોવા મળે છે.

ડુંગર પર આવેલા મંદિર પર સૂર્યાસ્ત સમયે હિલસ્ટેશન જેવો નજારો

ભીચરી માતાજીનું મંદિર પ્રદ્યુમન પાર્ક ઝૂ થી માત્ર 3.5 કિલોમીટરના અંતર પર આવેલું છે. માર્કેટીંગ યાર્ડની બાજુના રસ્તેથી અહીંયા જવાય છે. ભીચરી માતાજીના મંદિરના કારણે આ ગામનું નામ પણ ભીચરી છે. ડુંગર પર આ મંદિર આવેલું છે. પર્વત પર હોવા છતાં તેમાં એ રીતે ઢાળ છે કે ટુ વ્હીલર અને કાર જેવા વાહનો છેક ઉપર સુધી જઈ શકે છે. અહીંયા લોકો માત્ર માનતા પૂરી કરવા કે દર્શન કરવા જ નહિ પરંતુ પ્રાકૃતિક સૌંદર્યને માણવા અને ફરવા પણ આવે છે. ડુંગર પરથી લાલપરી તળાવ અને શહેરનો નજારો અદભુત દેખાય છે અને એમાં પણ સૂર્યાસ્ત સમયે તો અહીંયાથી ખૂબ જ અદભુત નજારો જોવા મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Published On - 8:38 am, Mon, 13 March 23