સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ (Bhadar-1 Dam) પાણીથી છલોછલ થઈ ગયો છે અને ભાદર ડેમ છલકાઈ જતા ડેમના 18 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં (Dam overflow) પાણીની ભરપૂર આવક થઈ રહી છે . ડેમમાં 32896 ક્યુસેક પાણીની આવક સામે 32896 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે. સાથે જ નીચાણવાસના 22 ગામને એલર્ટ (Alert) આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા તેમજ ઢોરઢાંખરને નદીના પટમાં ચરાવવા ન લઇ જવા માટે સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર- 1જળાશય પાણીથી ભરપૂર થતા હવે પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે. ડેમ છલકાઈ જતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. ગત રોજ ડેમ ભરાઈ જતા તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ પાણીની આવકમાં સતત વધારો થતા ડેમના 18 દરવાજા 5 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘ મહેર જોવા મળી સતત વરસાદને કારણે નદી નાળા છલકાયા છે ત્યારે રાજકોટના જેતપુરની ભાદર નદી પણ બે કાંઠે વહી રહી છે અને ભાદર ડેમ-1 ઓવરફ્લો થતાં નદીમાં પૂર આવ્યું છે જેને નજીકના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને વાહનચાલકોને એકથી બે કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. આજી-1 ડેમ (Aji dam 1) ઓવરફ્લો થયો છે.રાજકોટની (Rajkot) જીવાદોરી સમાન આજી ડેમ આખા શહેરને પીવાનુ પાણી પુરૂ પાડે છે. રાજકોટમાં 1954 માં આ ડેમનું નિર્માણ થયુ હતુ. ત્યારે 18 મી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે.ડેમ ઓવરફ્લો (Aji dam overflow) થતા રાજકોટવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
તો બોટાદના ગઢડાના ગઢાળી ગામમાં આવેલો કાળુભાર ડેમ પણ છલકાઈ જતા તેના દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના કુલ 16 દરવાજા હાલમાં 2 ફૂટ ખૂલ્લા છે ગત સાંજથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદન ેપગલે ડેમ છલકાઈ ગયો છે અને આ પાણીની આવક અને સંગ્રહથી બોટાદ જિલ્લાના ગઢાળી, પ્રહલાદગઢ, રાજપીપળા તેમજ ભાવનગર જિલ્લાના ઉમરાળા, ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાલા, વાઘધરા, ચોગઠ, વલ્લભીપુર, રાજસથળી સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણી માટે રાહત થઈ ગઈ છે.
વિથ ઇનપુટ ક્રેડિટ: નાસીર બોઘાણી જેતપુર, બ્રજેશ સાંકરીયા બોટાદ, ટીવી9