લેઉવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તેના પર સૌની નજર છે.નરેશ પટેલ (Naresh Patel) આમ આદમી પાર્ટી (AAP)-કોંગ્રેસ (Congress) અથવા તો ભાજપ (bjp) ક્યાં પક્ષમાં જોડાશે તે ખુદ નરેશ પટેલ જ જાણે છે. જોકે આ બધાની વચ્ચે નરેશ પટેલના વર્ષ 2009માં કોંગ્રેસ માટે પ્રચાર કરતા ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે.
લોકસભાની ચૂંટણીમાં નરેશ પટેલે કર્યો હતો પ્રચાર-મહેશ રાજપૂત
આ અંગે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે કહ્યું હતું કે નરેશ પટેલે વર્ષ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. રાજકોટમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હતા. અને તેના રોડ શો માટે અભિનેત્રી ઝિન્નત અમાન પણ આવી હતી. જેમાં નરેશ પટેલ કોંગ્રેસનો ખેસ પહેરીને પ્રચાર કર્યો હતો.આ સમયે મહેશ રાજૂપત પણ આ રોડ શોના સાક્ષી રહ્યા છે.
પ્રશાંત કિશોર અને નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસને મજબૂત કરશે તેવી ચર્ચા
નરેશ પટેલ એપ્રિલ મહિનામાં પોતે રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે અંગેનો નિર્ણય જાહેર કરશે. પરંતુ આ બધાની વચ્ચે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવા અંગેની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.નરેશ પટેલ કોંગ્રેસના સંગઠનમાં જોડાઇને પ્રશાંત કિશોર તેને મદદ કરી શકે છે. પરંતુ આ વાત નક્કી ત્યારે જ માની શકાય જ્યારે નરેશ પટેલ કોઇ સત્તાવાર જાહેરાત કરે,પરંતુ હાલમાં નરેશ પટેલના આ ફોટોએ જરૂરથી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
મારે બંધારણનો આદર કરવો જોઇએ,પછી સમાજ કરે તેમ-નરેશ પટેલ
આ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટમાં રાજકીય વ્યક્તિને પ્રવેશ નહિ હોવાનો બંધારણનો મારે આદર કરવો જ જોઇએ અને આ આદર પ્રમાણે મારે ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દેવું જોઇએ. પરંતુ સમાજની જે લાગણી હોય તેને પણ મારે સ્વીકારવી જોઇએ.એટલે જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ આવશે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ અને સમાજના લોકો જે નિર્ણય લેશે તે સ્વીકાર્ય રહેશે.
અગાઉ ત્રણ ટ્રસ્ટીઓએ આપ્યા હતા રાજીનામા
ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થઇ ત્યારથી જો કોઇ રાજકીય વ્યક્તિઓને ચૂંટણી લડવી હોય તો ટ્રસ્ટમાંથી રાજીનામું આપવું પડે તેવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું આ બંધારણ મુજબ ટ્રસ્ટમાંથી ત્રણ ટ્રસ્ટીઓ વર્ષ 2017માં રાજીનામાં આપ્યા હતા.વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર દિનેશ ચોવટીયા,રવિ આંબલિયા અને મિતુલ દોંગાએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું ત્યારે નરેશ પટેલના રાજકીય પ્રવેશ પહેલા તેઓએ ટ્રસ્ટ છોડવું પડે પરંતુ અંતે તો તેનું ટ્રસ્ટી મંડળ નિર્ણય લેશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 2:57 pm, Fri, 1 April 22