રાજકોટ (Rajkot) થી જામનગર રોડ તરફ પરાપીપળિયા ખંઢેરી નજીક ગુજરાતની પ્રથમ એઇમ્સ શરૂ થવા જઇ રહી છે. આજે એઇમ્સ (AIMS) ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandvia) એ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મનસુખ માંડવિયાએ એઇમ્સ ખાતે નિર્માણાધીન બિલ્ડીંગોની સમિક્ષા કરી હતી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
મનસુખ માંડવિયાએ એઇમ્સના ડાયરેક્ટર આરોગ્ય વિભાગના અધિકારીઓએ સાથે બેઠક કરી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે એઇમ્સનું સંપૂર્ણ કામ વર્ષ 2023 સુધીમાં પૂરૂ થઇ જશે. હાલમાં પ્રાથમિક સુવિધાઓ સાથેની ઓપીડી ચાલુ છે જ્યારે વર્ષ ડિસેમ્બર 2022 સુધીમાં સંપૂર્ણ ફેસેલીટી સાથેની ઓપીડી શરૂ થશે તેવું પણ જણાવ્યું છે.
આ બેઠકમાં દર્દીઓને એઇમ્સ સુધી પહોંચવા માટે પડતી મુશ્કેલીનો મુુદ્દો પણ સામે આવ્યો હતો. મનસુખ માંડવિયાએ આ બેઠકમાં મેયર પ્રદિપ ડવ સાથે ચર્ચા કરી હતી અને ટૂંક સમયમાં રાજકોટથી એઇમ્સ સુધી પહોંચાડવાની તૈયારી દર્શાવી હતી. મહત્વનું છે કે ગત ડિસેમ્બર માસથી એઇમ્સ ખાતે પ્રાથમિક ઓપીડી શરૂ થઇ ગઇ છે પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે કોઇ ટ્રાન્સપોર્ટ સેવા ઉપલબ્ધ નથી જેથી હવે સીટી બસ શરૂ કરવામાં આવશે.
આજે મળેલી સમિક્ષા બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હેલ્થ સેન્ટરથી જે દર્દીને વધારે મુશ્કેલી હોય તેવા દર્દી માટે એઇમ્સના ડોક્ટરનું માર્ગદર્શન મેળવી શકશે. આ અંગે એઇમ્સ દ્રારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હેલ્થ સેન્ટરના ડોક્ટર દ્રારા એઇમ્સના ડોક્ટર સાથે ચર્ચા કરી શકાશે અને જો જરૂરિયાત હશે તો એઇમ્સ દ્રારા વધુ સારવાર અંગેની પણ સૂચના આપવામાં આવશે.
મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે હાલમાં ઓપીડીમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેમાં વધારો કરવામાં આવશે. એઇમ્સ દ્રારા જે આધુનિક સાધન સામગ્રીની માંગ કરવામાં આવી છે તેને તાત્કાલિક આપવાની સૂચના આરોગ્ય વિભાગને આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આધુનિક સાધન સામગ્રી એઇમ્સને સોંપવામાં આવશે જેથી દર્દીઓને વિશેષ લાભ મળશે..
એઇમ્સ હોસ્પિટલમાં સ્પેશ્યાલીસ્ટ,સુપર સ્પેશ્યાલીસ્ટ સુવિધા,મેડિકલ કોલેજ, આયુષ વિભાગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે. દર્દીઓના સગાંને રહેવા માટેની સુવિધા, હોસ્ટેલ અને કેન્ટિન સહિતની સુુવિધાઓ પણ ઉભી થવાની છે તેની સાથે સાથે ગાર્ડન અને એઇમ્સ કમ્પાઉન્ડમાં એક તળાવ પણ આવેલું છે ત્યાં બ્યુટિફિકેશનનું કામ પણ ઉભુ કરવામા્ં આવશે.
આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની BHMSની રેગ્યુલર પરીક્ષા અચાનક મોકુફ, 15 હજાર વિદ્યાર્થીઓમાં રોષ
આ પણ વાંચોઃ વડોદરામાં ચાલતી શહેરી બસ સેવાની વ્યવસ્થામાં અગડમ-બગડમ, શું સીટી બસ સેવા કરી રહી છે ખોટ ?