Rajkot: ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી જવાને કારણે દેણું થઇ જતા આત્મહત્યા માટે મજબૂર બન્યા હોવાનું રટણ કરતો શુભમ બગથરિયા નામના યુવાનનો વીડિયો વાયરલ થયાના 36 કલાક બાદ રાજકોટની સિવીલ હોસ્પિટલમાંથી યુવાન હેમખેમ મળી આવ્યો હતો. વીડિયો બનાવીને શુભમે આત્મહત્યા કરી લીધી હશે તેવું માનીને પોલીસ અને ફાયરબ્રિગેડ દ્રારા સતત 12 કલાક સુધી આજીડેમમાં શોધખોળ કરી હતી.
કલાકોની જહેમત બાદ પણ જો કે યુવકની કોઇ ભાળ મળી ન હતી. આજે શનિવારે સવારે સિવીલ હોસ્પિટલમાંથી પરિવારજનોને ફોન આવ્યો હતો કે શુભમ બગથરિયા સિવીલ હોસ્પિટલનાં સારવાર હેઠળ છે. જેના આધારે પરિવારજનો સિવીલ પહોંચ્યા હતા અને યુવક હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
શુભમ બગથરિયા નામના યુવકે વીડિયો બનાવીને તેના પિતાને મોકલ્યો હતો. જેમાં તેને ઉલ્લેખ કર્યો હતો કે તે ઓનલાઇન તીનપતી ગેમમાં 1 લાખ રૂપિયા હારી ગયો છે અને તેના પર દેણું થઇ ગયું છે જેના કારણે તે જીવી શકે તેમ નથી.એટલું જ નહિ તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેને પાપ કર્યા હોવાથી તે અંતિમ પગલું ભરી રહ્યો છે. આ વીડિયો ઉતારીને તેને તેના પિતાને મોકલ્યો હતો અને ત્યારબાદ પિતાએ તેનો સંપર્ક કરતા તે મળી આવ્યો ન હતો અને તેના પિતાએ પોલીસને જાણ કરી હતી.
યુવકના વાયરલ વીડિયોને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસે ફાયરબ્રિગેડને જાણ કરીને 12 કલાક સુધી આજીડેમમાં શોધખોળ શરૂ કરી હતી.એટલું જ નહિ પોલીસે પણ લોકેશન સહિતની માહિતી એકત્ર કરી હતી જો કે હવે યુવક હેમખેમ મળી આવતા પોલીસે તેનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવક 36 કલાક સુધી ક્યાં હતો અને ક્યાં કારણોસર તે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને કઇ રીતે સિવીલ હોસ્પિટલ પહોંચ્યો સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.
પરિવારજનોના કહેવા પ્રમાણે તેઓને સિવીલ હોસ્પિટલમાંથી યુવક અહીં પહોંચ્યો હોવાની જાણ થઇ હતી. તેઓ જ્યારે સિવીલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે શુભમ કંઇબોલી શકે તેવી સ્થિતિમાં નથી. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તબીબોનું કહેવું છે કે તે આજે શનિવારે સવારે પોતાની રીતે જ સિવીલ હોસ્પિટલ પહોંચ્યો હતો. તેને નબળાઇ અને ઠંડી લાગતી હોવાની ફરિયાદ છે જેના આધારે તબીબો તેની સારવાર કરી રહ્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:25 pm, Sat, 1 July 23