Rajkot: રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માતા પિતાએ અરજી કરી હતી કે તેની દીકરીને મહેબુબ બુખારી નામનો શખ્સ લલચાવીને ફોસલાવીને લઈ ગયો છે અને તેના પર દુષ્કર્મ આચર્યું છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન આ યુવતી નાટ્યાત્મક રીતે કોર્ટમાં રજૂ થઇ હતી. કોર્ટમાં તેમણે દાવો કર્યો હતો કે તેના માતા પિતાએ લગાવેલા આક્ષેપો પાયા વિહોણા છે અને તે પોતાની મરજીથી પોતાનું ઘર છોડીને નીકળી ગઇ છે. આ અંગે કોર્ટ દ્વારા વધુ નિવેદન માટે યુવતીને પોલીસને સોંપવામાં આવી હતી. પોલીસ દ્વારા કોર્ટમાંથી યુવતીનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભોગ બનનાર યુવતી કોર્ટની બહાર આવી ત્યારે તેમણે મીડિયાને વિગતો આપી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેના માતા પિતા તેના પર ત્રાસ ગુજારે છે. તેને માથાના ભાગે છરી મારે છે, એટલું જ નહિ તેના બળજબરીથી લગ્ન કરાવી દેવા માંગે છે. જેથી તે કંટાળીને ગત 26 જૂનથી પોતાના ઘરેથી નીકળી ગઇ છે અને તેના મિત્રોને ત્યાં રહે છે. યુવતીના માતા પિતાએ યુવતી પર જે ચોરીનો આક્ષેપ લગાડ્યો છે તે પણ ફગાવતા તેમણે કહ્યું હતું કે મેં કોઇ ચોરી કરી નથી. એટલું જ નહિ મારી સાથે કોઇ દુષ્કર્મ પણ થયું નથી તેવો પણ દાવો કર્યો હતો.
કોર્ટ દ્વારા આ યુવતીનો કબ્જો પોલીસને સોંપવામાં આવ્યો હતો.પોલીસે યુવતી ગુમ થયાની જે ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પોલીસ દ્વારા તેનું વધુ નિવેદન લેવા માટે તેનો કબ્જો લીધો હતો. કોર્ટ સમક્ષ યુવતીએ તેના માતા પિતા સાથે રહેવાની અનિચ્છા દર્શાવી હતી ત્યારે પોલીસ તેનું નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ અંગે યુવતીના માતા પિતાએ યુવતીને વિધર્મી યુવક દ્વારા ફસાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. માતા પિતાએ દાવો કર્યો છે કે આ યુવતીને લલચાવીને તેની સાથે પ્રેમ સબંધ બાંધ્યો એટલુ જ નહિ તેને ધર્મ પરિવર્તન કરાવીને તેની જાળમાં ફસાવી દીધી છે અને હવે તેને ધમકી આપવામાં આવી રહી છે. યુવતીને ઘરની બહાર નીકળવું હોય તો પણ તેની પરવાનગી લેવી પડે છે અને માતા પિતા સાથે સબંધ તોડવા માટે દબાણ કરે છે. આ અંગે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:26 pm, Tue, 11 July 23