સૌરાષ્ટ્રએ સંત અને સુરાઓની ભુમિ છે.અહીં દાન આપવાનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે.ત્યારે આવું જ એક વિશેષ દાન રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પરબડી ગામમાં રહેતા 90 વર્ષીય નંદુબેન ડાયાભાઇ પાઘડારેએ આપ્યું છે.નંદુબેને પોતાની પાસે રહેલી 43.5 વિધા જમીન ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરી છે.નંદુબેને પોતાની આ જમીન ધોરાજી સબ રજીસ્ટ્રાર ઓફિસ પહોંચીને વસિયતનામું લખી આપ્યું હતું. જેમાં તેની તમામ જમીન ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરી છે. જમીનનુ આવડુ મોટુ દાન જીવનના અંતિમ પડાવે કરીને વૃદ્ધાએ પોતાની દાન ભાવના પ્રગટ કરીને અન્ય માટે ઉદાહરણ બન્યા હતા. નંદુબેનની ભાવનાની લોકોએ ખૂબ સરાહના કરી હતી.
નંદુબાની તબિયત નાદુરસ્ત છે.તેઓ ચાલી શકતા ન હતા જેથી તેઓ સબ રજીસ્ટ્રાર ઓફિસ સ્ટ્રેચર લઇને પહોંચ્યા હતા.સબ રજીસ્ટ્રાર કચેરીએ સ્ટ્રેચર પર પહોંચવાને લઈ તેમને જોનારા સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.નંદુબેને પોતાની માલિકીની રહેલી 43.5 વિઘા જમીન સબ રજીસ્ટ્રાર ઓફિસે વસિયતનામાથી લખી આપી હતી.આ સમયે ખોડલધામ ધોરાજીના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા.
90 વર્ષીય નંદુબેનના આ વિચારને લેઉવા પાટીદાર સમાજના દરેક લોકોએ સહર્ષ આવકાર્યો છે,ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે નંદુબેનનો આભાર માન્યો હતો અને તેને શુભેચ્છા સાથે વંદન પણ કર્યા હતા.આ ઉપરાંત ખોડલધામની ઘોરાજીના કમિટી સભ્યોએ સબ રજીસ્ટ્રાર ઓફિસે માતાજીની પ્રતિમા આપીને સન્માન કર્યું હતું. નરેશ પટેલની સાથે સાથે ઘોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નંદુબેનની આ દાનવીરતાને બિરદાવી હતી અને તેઓને કોટિ કોટિ વંદન કર્યા હતા.
રાજકોટ જુનાગઢ હાઇવે પર કાગવડ નજીક આવેલું ખોડલઘામ લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે.ભક્તિ થકી એકતાની શક્તિ થકી લેઉવા પાટીદાર સમાજને જોડવાનો એક પ્રયાસ છે અને અહીં ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે.તાજેતરમાં જામનગર રોડ પર અમરેલી ગામ નજીક શિક્ષણ અને આરોગ્યનું ધામ તૈયાર થઇ રહ્યું છે ત્યારે દેશ વિદેશથી જ્ઞાનની સરવાણી ફુટી રહી છે તેવા સમયે નંદુબેને આપેલું દાન ખોડલધામ ટ્રસ્ટ માટે ખુબ જ મહત્વનું સાબિત થશે.