રાજકોટ(Rajkot)શહેર ચોમાસાની સીઝનમાં(Monsoon 2022) રોગચાળામાં(Epidemic) સપડાયું છે.શહેરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે સ્વાઇન ફલૂએ ફુંફાડો માર્યો છે. આ ઉપરાંત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દરેક વોર્ડમાં રોગચાળો નાથવા કામગીરી ચાલુ હોવાનો દાવો કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે, આ સિઝનમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે જેને નાથવા માટે તમામ વોર્ડમાં ફોગિંગ, દવાનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં સ્વાઇન ફલૂના 10 કેસ નોંધાયા છે. જેમાં બે દર્દીઓની હાલત નાજુક છે જો કે તંત્રના સત્તાવાર ચોપડે આની કોઇ જ નોંધ નથી. સૂત્રોના કહેવા પ્રમાણે તમામ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો છેલ્લા એક સપ્તાહમાં ડેગ્યૂના 10 કેસ અને મેલેરિયા તેમજ ચીકનગુનિયાના 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સામાન્ય શરદીના 359, તાવના 96 કેસ, ઝાડા ઉલટીના 101 કેસ નોંધાયા છે.
બીજી તરફ કોંગ્રેસે સરકાર આંકડાઓ છુપાવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ દાવો કર્યો છે કે, શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાંટલા જોવા મળી રહ્યા છે. ભાગ્યે જ એવું કોઇ ઘર હશે જ્યાં રોગચાળો ન હોય પરંતુ તંત્ર સબ સલામત કહી રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાના કેસો હજુ પણ યથાવત છે. જેમાં 08 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 661 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 5862એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. કોરોનાથી આજે 692 લોકો સાજા થયા છે. ગઈકાલમાં હિસાબે આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 7 ઓગસ્ટે રાજ્યમાં કોરોના કેસ 768 નોંધાયા હતા. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 201, વડોદરામાં 57, ગાંધીનગરમાં 20, ગાંધીનગરમાં ગ્રામ્યમાં 16, મહેસાણામાં 34, વડોદરા ગ્રામ્યમાં 25 , સુરતમાં 39, સુરત ગ્રામ્યમાં 31, રાજકોટમાં 46, રાજકોટ ગ્રામ્યમાં 17, ગાંધીનગરમાં 20, ગાંધીનગર ગ્રામ્યમાં 16 અને મોરબીમાં 22 કેસ નોંધાયા છે.
Published On - 5:20 pm, Tue, 9 August 22