રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર રખડતા ઢોરનો (Stray cattle) ત્રાસ વધી રહ્યો છે. વાહનચાલકો કે રાહદારીઓને રખડતા ઢોર ઘાયલ કરતા હોવાના પણ કિસ્સાઓ બની ચૂક્યા છે. પરંતુ હવે આગામી સમયમાં આ માટે સરકાર કાયદો લાવવા જઈ રહી છે, જે માટે એક જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ આ કાયદો લાગૂ થાય તે પહેલા જ તેનો વિરોધ (Oppose) થઈ રહ્યો છે. આ કાયદો અમલમાં આવે તે પહેલા માલધારી સમાજમાં ( Maldhari community )ભારે રોષ જોવા મળી રહ્યો છે અને માલધારી સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમનું કહેવું છે કે, રખડતા ઢોરની વૈકલ્પિક વ્યવસ્થા કરી વિધાનસભામાં બિલ પસાર કરો. અને વૈકલ્પિક વ્યવસ્થા પૂર્ણ થયા બાદ જ સરકાર દ્વારા કાયદો અમલમાં લાવવામાં આવે.
રખડતા ઢોરોના ત્રાસને નિવારવા માટે સરકાર દ્વારા કાયદો બનાવવાની કવાયત કરવામાં આવી છે. આ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરી વિસ્તારમાં ઢોર રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. 31 માર્ચે સરકાર વિધાનસભામાં બિલ રજૂ કરશે.
જો આ બીલ પસાર થઈ ગયું તો રખડતા ઢોર મુદ્દે ખાસ નિયમો બનાવવમાં આવ્યા છે. જેનું માલધારીઓએ પાલન કરવું પડશે. આ નિયમો પ્રમાણે શહેરોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાયસન્સ લેવું પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવા ફરજિયાત રહેશે. કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ રાખવામાં આવશે. બિલમાં 5 હજારથી 20 હજાર સુધીની આર્થિંક દંડની જોગવાઇ પણ કરવામાં આવશે. કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાયસન્સ લેવું પડશે. પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસચારો પણ નહીં વેચી શકાય એ પ્રકારની બીલમાં જોગવાઇ કરવામાં આવશે. રખડતા ઢોરના માલિક સામે ફોજદારી ગુનો પણ દાખલ કરાશે અને સ્થાનિક સત્તામંડળ આ માટે લાઇસન્સ ઇન્સ્પેક્ટર નિયુક્ત કરશે.
રખડતા ઢોર મુદ્દે સરકારના જાહેરાનામાનો માલધારીઓએ વિરોધ કર્યો છે. રાજકોટ અને સુરતના માલધારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.. માલઘારીઓની માગ છે કે આ નિયમો લાગૂ થાય તે પહેલા ઢોર રાખવામા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
શહેરોમાં ટ્રાફિકની સમસ્યા, બીજી તરફ રોડ રસ્તા અને અન્ય ખોદકામના કાર્યો ચાલતા હોય છે.. આટલું ઓછું હોય તેમ રખડતા ઢોરો તો ખરા જ. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. ઘણી વખત તો વાહન લઇને ઘરની બહાર નીકળવું માથાના દુઃખાવા સમાન બને છે. રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. જો કે હવે આ સમસ્યાનો પણ ટૂંક સમયમાં જ અંત આવશે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-