ગુજરાત(Gujarat) ના હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજકોટ(Rajkot) જિલ્લામાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
આ દરમ્યાન રાજકોટના લોધિકા(Lodhika) ના વાજડી વડ ગામે વીજળી પડી હતી. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ વીજળી વાજડી ગામના રામજી મંદિરની ધજા પર પડી હતી. તેમજ વીજળી પડતા રામજી મંદિરના શિખરને નુકસાન થયું છે. જ્યારે વીજળી પડતા રામજી મંદિરમાં મોટો ખાડો પડ્યો છે. પરંતુ મંદિરમાં સ્થાપિત ભગવાન રામ અને સીતાની મૂર્તિ સુરક્ષિત છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના જસદણ તાલુકાના સાણથલી પાસે નવાગામના ખેતરમાં ત્રણ યુવકો પર વીજળી ત્રાટકતા બે યુવકના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જયારે એક યુવાનને ગંભીર હાલતમાં 108 માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ દરમ્યાન રાજકોટના ગોંડલમાં અવિરત મેઘ મહેર વરસી રહી છે. જેમાં ગોંડલમાં દોઢ કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગ્રામ્ય પંથક માં ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં લાલપુલમાં કમર સુધી પાણી ભરાયા છે. જ્યારે ગોંડલના વાસાવડમાં 4 ઈંચ વરસાદ થતાં નદીમાં ઘોડાપુર આવ્યુ છે.
આ પણ વાંચો : Narmada ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં એક મીટરનો વધારો
Published On - 10:49 pm, Wed, 8 September 21