રાજકોટ (Rajkot) પોલીસ પર ધારાસભ્ય ગોવિંદ પટેલે (MLA Govind Patel) ગંભીર આક્ષેપો લગાવ્યા બાદ એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે. ગોવિંદ પટેલે પોતાના પત્રમાં કિસન સખિયા સાથે મુનિરાએ છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને એક સોની વેપારીએ આ છેતરપિંડીના રૂપિયાથી વીલા લીધો હોવાની પણ વાત કરી છે. આખો મામલો સામે આવ્યા બાદ આ સોની વેપારીનો એક વિડીયો સામે આવ્યો હતો. ધર્મેશ સોની નામના વેપારીએ પોલીસ તેની સાથે ખોટી રીતે દુર્વ્યવહાર કરીને 2 કરોડની માંગણી કરી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. અને આ પૈકી 1 કરોડથી વધારેના ચેક લખાવી લીધા છે. પરંતુ વેપારી દ્વારા સ્ટોપ પેમેન્ટ કરાવી દેવામાં આવ્યા છે.
સાત સાત કલાકો સુધી બેસાડી રાખતા-પીઆઇએ લાફા ઝીંક્યા
ધર્મેશના વાયરલ થયેલા વિડીયોમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે છેતરપિંડીના આ કેસમાં પોલીસે મુનિરાને 11 દિવસ સુધી ગોંધી રાખી હતી.મુનિરાએ પોતાના નિવેદનમાં 45 લાખ રૂપિયાની લેતીદેતી તેમની સાથે કરી હતી જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ તેને રૂપિયા આપવાનું કહી રહ્યા હતા. ધર્મેશભાઇએ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સાખરાને તમામ દસ્તાવેજી પુરાવાઓ દર્શાવ્યા હતા. જે વહીવટ કરવામાં આવ્યો તેના જીએસટી નંબર સહિતના દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને ઢોરમાર મારવામાં આવ્યો.થો઼ડા દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ દ્વારા સાત કલાક સુધી બેસાડી રાખીને તેને લાફાં ઝીકવામાં આવ્યા હોવાનો પણ વેપારીએ આક્ષેપ કર્યો છે.
આ અંગે સોની વેપારીએ હાઇકોર્ટમાં કરી છે ફરિયાદ
સોની વેપારી અને પોલીસ વચ્ચેના આ ધર્ષણમાં સોની વેપારીએ હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.પોલીસની વિરુદ્ધમાં સોની પરિવાર હાઇકોર્ટમાં ગયો છે આ અગાઉ તેઓએ ગૃહમંત્રી.રાજ્ય પોલીસ વડા અને માનવઅધિકાર પંચ સમક્ષ પણ રજૂઆત કરી છે.કોરોનાને કારણે હાઇકોર્ટમાં કેસ ચાલતા ન હોવાથી હજુ સુધી તેઓની અરજી પેન્ડીંગ છે.
સોની વેપારી-પોલીસ વચ્ચે થઇ હતી ઝપાઝપી
આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ કરી રહી હતી.સોની વેપારીએ 80 લાખ રૂપિયાની કિંમતનો એક વિલા છેતરપિંડીના રૂપિયાથી ખરીદ કર્યો હોવાની માહિતીના આધારે રૂપિયાની વસૂલાત કરવા માટે પહોંચી હતી. ત્યારે સોની વેપારી દ્વારા પીએસઆઇ સાખરા અને તેના કોન્સટેબલને બંધક બનાવી દીધા હતા.જેની જાણ પોલીસને થતા ક્રાઇમ બ્રાન્ચ અને એ-ડિવીઝનનો મોટો કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો. અને બાદમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ હતી જે અંગે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પાટીદાર ચહેરો, ડો.ગિરીશ ભીમાણી પર પસંદગી ઉતારાઈ