ધારાસભ્ય ગોવિંદ પટેલ (MLA Govind Patel) એ ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) ને લખેલા પત્રના ત્રણ દિવસ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આજે રાજકોટ આવ્યા હતા. મિડીયા સાથેની વાતચીત બાદ મનોજ અગ્રવાલે રાજકોટ પોલીસના એક પછી એક અધિકારી સાથે મુલાકાત કરી હતી. સખિયા બંધુએ કરેલા આક્ષેપો બાદ પોલીસ વિરુઘ્ધ એક પછી એક ફરિયાદો સામે આવી રહી છે ત્યારે રાજકોટ પોલીસબેડામાં પણ મોટાપાયે ફેરફાર થઇ શકે છે.
પોલીસ જવાનો સામે જે પણ ફરિયાદો આવી છે તે અંગે પોલીસ કમિશનર માહિતી લીધા બાદ યોગ્ય નિર્ણય લઇ શકે છે. જો કે આ બધાની વચ્ચે આઇપીએસ અધિકારીઓની બદલી (transfer) ના પણ ભણકારા વાગી રહ્યા છે અને તેમાં મનોજ અગ્રવાલની બદલી નિશ્વિત છે ત્યારે જો રાજકોટને નવા પોલીસ કમિશનર મળશે તો તે આખી નવી ટીમ ઉભી કરે તેવી પણ શક્યતાને નકારી શકાય નહિં.
આ અંગે આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ પર થયેલા આક્ષેપોમાં સૌથી વધારે નામ ક્રાઇમ બ્રાન્ચનું નામ ઉછળી રહ્યું છે.ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં જેમની પર સૌથી વધારે આક્ષેપ છે તે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિત સ્ટાફની બદલી કરવાની ચર્ચા થઇ છે જેથી રાજકોટ પોલીસ કમિશનર આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી સહિતના અધિકારીઓ પાસેથી આક્ષેપો અંગેની માહિતી લીધા બાદ બદલી અંગેની કાર્યવાહી કરે તેવી શક્યતા છે જો કે આઇપીએસની બદલી થવાને પણ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ કમિશનર આ બદલાવ અંગે નિર્ણય હાલ પુરતો મોકુફ પણ રાખી શકે છે
રાજ્યના આઇપીએસ અધિકારીઓની બદલીની ઘડીઓ ગણાય રહી છે એક સમાચાર પ્રમાણે ગત સપ્તાહમાં જ આ બદલીઓ આવી જવાની હતી જો કે આ સમયે જ ગોવિંદ પટેલે મનોજ અગ્રવાલ સામે ભષ્ટ્રાચારનો આક્ષેપ લગાવ્યો.આ આક્ષેપના આધારે રાજ્યના ગૃહ વિભાગ દ્રારા ડીજી વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી ત્યારે આ તપાસનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યા બાદ આઇપીએસ અઘિકારીઓની બદલી આવે તેવી પુરેપરી શક્યતા છે.
રાજકોટ પોલીસ પર લાગેલા ભષ્ટ્રાચારના આક્ષેપો બાદ તેના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે.મોરબીમાં એક પીએસઆઇને પોલીસે ભષ્ટ્રાચારના આક્ષેપ અંગે સસ્પેન્ડ કરી દીધા છે.આ ઉપરાંત વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા કરતા વડોદરા પોલીસ કમિશનર દ્રારા તમામ 21 જેટલા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને વિખેરી નાખવાની ડીસીપીને સૂચના આપી છે .આ અગાઉ ગૃહમંત્રીએ સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં પોલીસની ગેરરિતી સામે આવતા એકસાથે પીઆઇ સહિત 114 જેટલા પોલીસકર્મીઓને એકસાથે બદલી નાખવામાં આવ્યા હતા તે જ રીતે રાજકોટ પોલીસમાં પણ મહત્વની ગણાતી બ્રાન્ચોનું વિસર્જન થાય તો નવાઇ નહિ.
આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે, ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લે તેવી સંભાવના
આ પણ વાંચોઃ તલાટીની ભરતી માટે અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર ફોર્મ ભરાયા, કુલ 10 લાખ જેટલા ફોર્મ ભરાવવાની સંભાવના