Breaking News : ગોંડલના મોટા ઉમવાળા ગામે ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ, જુઓ Video

ગોંડલના મોટા ઉમવાળા ગામે ખનીજ વિભાગે દરોડા પાડી ₹32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં જેસીબી અને બે ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. ખાનગી જમીન પર ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાના દાવા વચ્ચે સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈએ આક્ષેપ કર્યો છે કે ખનીજ માફિયાઓએ અગાઉ રોકાયેલી ખનીજ ચોરીનો બદલો લેવા કાવતરું રચ્યું છે.

Breaking News : ગોંડલના મોટા ઉમવાળા ગામે ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ, જુઓ Video
Illegal mining operation raided in rural Gondal
| Updated on: Jan 08, 2026 | 12:09 PM

ગોંડલના મોટા ઉમવાળા ગામે ખનીજ વિભાગ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સહિત કુલ ₹32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પ્રવૃત્તિ ખાનગી માલિકીની જમીન પર ચાલી રહી હતી અને સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે જપ્ત કરાયેલા વાહનો પર નંબર પ્લેટ પણ જોવા મળી ન હતી.

આ દરોડા બાદ તરત જ એક નવો વળાંક આવ્યો હતો. જપ્ત કરાયેલા વાહનોના માલિક અને ગામના સરપંચ ભૂપતભાઈએ આ સમગ્ર મામલે એક સ્પષ્ટતા કરી હતી, જેણે આ ઘટનાને એક અલગ જ દિશા આપી હતી. ભૂપતભાઈએ આક્ષેપ કર્યો હતો કે આ એક બદલાની ભાવનાથી કરાયેલું કાવતરું છે. તેમના જણાવ્યા મુજબ તેમણે અગાઉ ગામમાં મોટા પાયે ચાલતી ખનીજ ચોરીની પ્રવૃત્તિને બંધ કરાવી હતી, જેના કારણે ખનીજ માફિયાઓએ તેમને દબાવવા અને બદનામ કરવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે જે જમીન પર ખોદકામ ચાલી રહ્યું હતું તે ખાનગી માલિકીની હતી અને ત્યાં ખેતરને સપાટ કરવાનું કામ ચાલુ હતું. આ માટીનો ઉપયોગ ગામમાં બની રહેલા પંચાયતી બગીચા માટે કરવામાં આવી રહ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ બગીચાના નિર્માણમાં રિલેક્સ ફાઉન્ડેશન તરફથી મદદ પણ મળી રહી છે. ભૂપતભાઈએ દાવો કર્યો કે તેઓ કાયદેસર રીતે કાર્ય કરી રહ્યા છે અને ગામના વિકાસ કાર્યો માટે પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે.

જોકે ખનીજ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરપંચ દ્વારા ટેલિફોનિક જાણકારીમાં મંજૂરીનો ઠરાવ હોવાનું કહેવામાં આવ્યું છે પરંતુ તેની નકલ તેમને હજુ સુધી મળી નથી. અધિકારીઓએ આ મામલે વધુ તપાસ હાથ ધરવાની અને ઠરાવની નકલ મેળવીને પંચનામું કરવા અથવા બીજી વખત તપાસ કરવાની ખાતરી આપી છે. નંબર પ્લેટ વગરના વાહનો ફરી રહ્યા હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થવાને કારણે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ ગોંડલ તાલુકામાં ખનીજ ચોરી અને તેના પર લગામ કસવાના પ્રયાસોના પડઘા પાડ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો