રાજકોટમાં 25 માર્ચના રોજ રેસકોર્ષ ખાતે ડ્રગ્સની જાગૃતતા માટે હાફ મેરેથોન યોજવામાં આવી હતી. આ મેરેથોનમાં બંદોબસ્તમાં આવેલા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સટેબલ રવિ રાઠોડનું સરકારી મોટરસાઇકલ ચોરી થઇ જતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાઇ હતી. જેના આધારે એ ડિવીઝન પોલીસે કમલેશ ઉર્ફે કમા બગડાઇ નામના શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ પોલીસનું મોટરસાઇકલ લઇને જૂની જેલ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો છે, તેવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી અને આ શખ્સને પકડી પાડ્યો હતો.
રવિ રાઠોડ નામના પોલીસ કોન્સટેબલ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી વોરંટ બજવણીની કામગીરી કરે છે. વોરંટ બજવણી માટે પોલીસ વિભાગ દ્વારા તેમને સફેદ રંગના મોટરસાયકલની ફાળવણી કરવામાં આવી છે. ગત 25 તારીખના રોજ બપોરના ચારેક વાગ્યે તેઓ વોરંટ બજવણીની કામગીરી માટે ગયા હતા અને ત્યારબાદ રેસકોર્ષ ખાતે હાફ મેરેથોનના બંદોબસ્ત માટે પહોંચ્યા હતા. રેસકોર્ષ ખાતે તેઓ પાર્કિંગ સ્થળ પર હેન્ડલ લોક કરીને પોતાને જવાબદારી આપેલી ટીમ સાથે બંદોબસ્તમાં લાગી ગયા હતા. હાફ મેરેથોન પૂર્ણ થયા બાદ તેઓ પાર્કિંગ સ્થળે પહોંચ્યા ત્યારે તેમનું બાઇક ત્યાં ન હતું. જે બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પોલીસના બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાતા શહેરભરની પોલીસ દોડતી થઇ ગઇ હતી. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ પોલીસના લોગો સાથેના બાઇક સાથે જુની જેલ રામનાથપરા વિસ્તાર બાજુ ફરી રહ્યો છે. જેના આધારે એ ડિવીઝન પોલીસે કમલેશ ઉર્ફે કમા બગડાઇ નામના શખ્સને પકડી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપીને પકડીને મુદ્દામાલ પ્રદ્યુમનનગર પોલીસને સોંપ્યો હતો.પોલીસ તપાસમાં આ શખ્સ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. અગાઉ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો નોંધાઇ ચૂક્યો છે ત્યારે આ શખ્સે અત્યાર સુધીમાં કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…