Rajkot : તહેવારમાં ફરી ગુજરાતની જનતાને મોંઘવારીનો (inflation) માર સહન કરવો પડશે. આ વખતનો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે. જંગી ભાવ વધારાના પગલે ફળો અને ફરાળી વાનગી આરોગવી મોંઘી પડશે. રાજકોટના બજારોમાં ખાદ્યતેલથી લઇને ફરાળી ચીજસ્તુઓ અને ફળોના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. જેના પગલે ફરાળી વાનગીઓ પણ મોંઘી થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો-Gir Somnath Video: તસ્કરો તાળુ તોડી મોબાઈલની દુકાનમાં ઘૂસ્યા, 70થી વધુ મોબાઈલની કરી ચોરી, જૂઓ CCTV
વાત કરીએ પહેલા સિંગતેલની તો શ્રાવણ માસમાં તેલનો વપરાશ સૌથી વધુ થતો હોય છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ફરાળી ચીજ વસ્તુઓના કિલોના ભાવની વાત કરીએ તો સાબુદાણાના કિલોના ભાવ 85થી 90 રૂપિયા, રાજગરા લોટના 190થી 200 રૂપિયા, સિંગદાણા 150 રૂપિયા, સામો 110 રૂપિયા અને જીરૂના ભાવ 700 રૂપિયા છે. ફરાળી ચીજ વસ્તુ સાથે એલચી, વરિયાળી, મરી મસાલા અને તેજાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
શ્રાવણ મહિનામાં ફળો ખાવા પણ મોંઘા પડશે. જે કેળા 50થી 60 રૂપિયામાં કિલો મળતા હતા, તે કેળાના ડઝનના ભાવ હાલ 90થી 100 રૂપિયા છે. તો સફરજનના કિલોના ભાવ 200 રૂપિયા છે. પેરૂ 100 રૂપિયે કિલો છે. જયારે રાસબરીના કિલોના ભાવ 150 રુપિયા છે. ફરાળી ચીજવસ્તુ અને ફળોના ભાવ બમણા થતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે. વેપારીઓનું માનીએ તો દરેક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને અછતના કારણે ભાવ વધી રહ્યા છે. ભાવ વધારાથી બજારમાં મંદી પણ જોવા મળી રહી છે.
લોકોને બજારમાં મળતી તૈયાર વાનગીઓ સસ્તી મળી શકશે. તૈયાર મળતી વાનગીઓમાં વેપારીઓએ ભાવ વધારો કર્યો નથી. વેફર્સ, ફરાળી, પેટીશ અને ફરાળી ચેવડાના રો મટીરીયલ્સમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. કિલોના ભાવની વાત કરીએ તો વેફર્સના 280 રૂપિયા, ફરાળી ચેવડો, 200 રૂપિયે કિલો, પેટીસના એક પ્લેટના 50 રૂપિયા છે. આગામી સમયમાં રો મટીરીયલ્સમાં ભાવ વધશે તો તૈયાર વાનગીઓમાં ભાવ વધારો થઈ શકશે. વેપારીઓનું કહેવું છે કે, નફામાં કાપ મુકીને વેપાર કરી રહ્યા છે. સિંગતેલ અને ટામેટા બાદ ફરાળી વાનગીઓની ચીજવસ્તુ અને ફળોના ભાવ આસમાને પહોંચતા ફરાળ કરવું કે ભૂખ્યા ઉપવાસ કરવો તે અહીં સવાલ ઉભો થયો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો