Rajkot : ‘અમે અમારા બાળકો લઇને ભાગ્યા છીએ, અમારી પાસે કંઇ જ નથી. અમને આશરો આપો’ આ શબ્દો છે રાજકોટના (Rajkot) કોટડા સાંગાણીમાં આવેલા કરમાળ પીપળીયા ગામના લોકોના. કરમાળ પીપળીયા ગામમાં અનરાધાર વરસાદના કારણે લોકોના ઘર પડી ગયા છે, પશુધન, અનાજથી લઇને તમામ વસ્તુ તણાઇ ગઇ છે. લોકોને પહેરેલા કપડે ઘર છોડવું પડ્યું છે. ચારેય તરફ તારાજી સર્જાઇ છે.
આ પણ વાંચો Rajkot : મોજ ડેમ ઓવરફ્લો થતાં કોઝવેને નુકસાન, 12 ગામને જોડતો રસ્તો કરાયો બંધ, જુઓ Video
ભારે વરસાદના કારણે કરમાળ ડેમ ‘તબાહી’નો ડેમ બન્યો છે. મેહુલિયો કહેર બનીને કરમાળ પીપળીયા ગામના લોકો પર વરસ્યો છે. વરસાદના પાણી તો ગામમાં ભરાયા હતા જેનાથી લોકો પરેશાન હતા ને વધુ એક આફત આવી પડી. કરમાળ ડેમ છલકાઇ જતા પીપળીયા ગામમાં પાણી ફરી વળ્યા હતા. તેમજ ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને પણ નુકસાન થયું છે.
છેલ્લા કેટલાંક દિવસોથી રાજકોટના કોટડા સાંગાણીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જે બાદ જિલ્લાના અનેક નદી, નાળા, કોઝવે, ડેમ હોય કે પછી રોડ-રસ્તા તમામ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. કરમાળ પીપળીયા ગામનો ડેમ પણ છલકાયો હતો. જેના કારણે આસપાસના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. તો રાજકોટ-આટકોટ હાઇવે પણ બંધ થઇ ગયો હતો.
કરમાળ ગામમાંથી 25 જેટલા ફસાયેલા લોકોનું NDRF, ફાયર વિભાગ અને પ્રાંત અધિકારી દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. પરંતુ સતત વરસાદના કારણે કરમાળ ડેમનો પ્રવાહ વધતાં ડેમ ઓવરફ્લો થતાં ડેમના પાણીએ પળભરમાં જ લોકોનું જીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું. લોકો ઘર વિહોણાં થઇ ગયા, ખાવા માટે અનાજ નથી વધ્યું, પશુધન ગુમાવી દીધા છે તો ઘરવખરી પાણીમાં તણાઇ ગઇ છે તેમજ ખેતરોમાં રહેલો પાક નિષ્ફળ ગયો છે. લોકોની માગ છે કે સરકાર અને તંત્ર તેમની મદદે આવે અને અનાજ અને ઘર સહિતની સહાય આપે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો