
વિધાનસભાની ચૂંટણી સમયે ગોંડલ વિધાનસભા બેઠક ભારે ચર્ચામાં રહી હતી.એક તરફ ગોંડલ જુથ બીજી તરફ રીબડા જુથે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા. આ સમયે રીબડા ખાતે મળેલા એક સંમેલનમાં રાજકોટના ઉદ્યોગપતિ ગોંવિદ સગપરીયાએ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે પ્રકારનું જાહેરમાં ભાષણ કર્યું હતું. જે અંગે અનિરુદ્ઘસિંહ જાડેજા દ્વારા પોતાના વકીલ મારફતે 50 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરતી નોટિસ ફટકારી છે અને ગોવિંદ સગરપરિયાને 7 દિવસની અંદર જવાબ રજૂ કરવાનો ઉલ્લેખ કરાયો છે. જો સાત દિવસમાં જવાબ નહિ આપે તો કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.
ગોંડલના એડવોકેટ દિનેશ પાતરે તેમના અસીલ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રીબડા) ના કહેવાથી રાજકોટના ગોવિંદ ભગવાનજીભાઈ સગપરીયાને રૂપિયા 50 કરોડના માનહાનીના દાવા સાથે નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેમને જણાવ્યું છે કે, 22 ડિસેમ્બર 2022 ના રોજ વિવિધ સમાજના આગેવાનો ગોંડલના ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્યની હાજરીમાં એક જાહેર સભાનું આયોજન રીબડા ગામ ખાતે કરવામાં આવ્યુ હતું.
સોશ્યલ મીડીયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર તેનો વીડિયો વાયરલ થયેલો છે. આ જાહેર સભામાં ગોવિંદ સગપરીયા દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પરીવારજનો વિરુદ્ધ અસભ્ય ભાષાનો અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. વિશાળ જનમેદની અને સમાજના આગેવાનોની હાજરીમાં આપેલા ભાષણમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પરીવારજનોના ચારિત્ર્યને હલકુ ચિતર્યુ હતુ. ક્ષત્રીય સમાજના વિશાળ વર્ગની લાગણીને ઠેસ પહોંચાડી વિશાળ જનમેદની સમક્ષ વાહ વાહી મેળવવા હિન પ્રયાસ કરવામાં આવેલા છે.
વકીલે નોટિસમાં એમ પણ જણાવ્યુ હતુ કે આ પ્રકારના ગેરકાયદેસરના કૃત્યને કારણે અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેના પરીવારજનોને અસહીય અને તીવ્ર માનસીક ત્રાસ વેઠવો પડેલો અને હાલ પણ તેની અસર ચાલુ છે. આ પ્રકારના ગેરકાયદેસરના કૃત્યને કારણે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પરીવારજનોની આબરૂને ખુબ જ નુકસાન પહોંચ્યુ છે. જેથી નોટિસ મળ્યાના 7 દિવસમાં તમારા આ દુષ્કૃત્ય બદલ અમારા અસીલ તથા તેના પરીવારજનોની બદનક્ષી કર્યાં બદલ બીન શરતી માફી પત્ર વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરાવશો.
રીબડા ખાતે મળેલી સભામાં ગોવિંદ રાણપરીયાએ સંબોધન કર્યું હતું કે મેં વર્ષો પહેલા મહિપતસિંહ જાડેજા પરિવારના ત્રાસથી રીબડા છોડી દીધું છે. 40 વર્ષોથી હું ઉધોગ વેપાર ધંધો કરૂ છું તો પણ હજુ 5 કરોડનું દેવું છે જ્યારે અનિરુદ્ધસિંહ અને તેના પરિવારજનો કોઇ ધંધો નથી કરતા તો પણ 1 હજાર કરોડના આસામી છે તો આ રૂપિયા ક્યાંથી આવ્યા તે સમજવાની જરૂર છે તે પ્રકારનું સંબોધન કર્યું હતું.