Rajkot: રાજકોટ માં રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સ (Jewelers) સહિતની પેઢીઓમાં આઇટી દ્રારા કરવામાં આવેલી તપાસમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો નીકળ્યા છે. IT વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે 6 દિવસ ચાલેલી તપાસ રવિવારે રાત સુધીમાં પૂર્ણ થઇ ગઇ હતી અને આ તપાસ દરમિયાન અલગ અલગ જ્વેલર્સમાંથી બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. આ ઉપરાંત 12 કરોડ રૂપિયાના રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતા. IT વિભાગની તપાસમાં અનેક મિલકત સબંધી વ્યવહારો પણ મળી આવ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે ઇન્કમ ટેક્સ વિભાગનો સર્વે પાંચ વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્રારા આ અંગેનો રિપોર્ટ અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.
IT વિભાગના કહેવા પ્રમાણે પાંચ વર્ષમાં આ સૌથી મોટી કાર્યવાહી છે. ઇન્કમ ટેક્સ વિભાગને અમદાવાદ હાઇવે પર એક મોટા જમીન સોદાની ટીપ મળી હતી. જેના આધારે આ જ્વેલર્સ સર્વેલન્સમાં હતા અને એકસાથે 6 દિવસમાં 32 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. પ્રથમ બે દિવસમાં જ આઇટી વિભાગને 5 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. ત્યારબાદ આઇટી વિભાગ દ્રારા જ્વેલર્સને ત્યાંથી મળેલા સોનાના દાગીનાની વેલ્યુઅરની મદદ લઇને આકારણી કરવામાં આવી હતી. જ્વેલર્સની સાથે લેન્ડ ડેવલોપર્સને ત્યાં પણ આઇટી વિભાગ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેના કારણે અનેક ડિજીટલ વ્યવહારો પણ મળી આવ્યા છે. જેને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કેટલાક મિલકત સબંધી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેની પણ તપાસ હાથ ધરવામાં આવે છે.
આ તપાસ જે તે જ્વેલર્સ અને લેન્ડ ડેવલપર પુરતી મર્યાદિત ન રહેતા જે તે પેઢીના વિશ્વાસુ કર્મચારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે, IT વિભાગ દ્રારા આવા કર્મચારીઓના એકાઉન્ટ અને તેની મિલકત વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જેને લઇને પણ મહત્વના ખુલાસાઓ થઇ શકે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:58 pm, Mon, 17 July 23