વિશ્વમાં વકરી રહેલા કોરોનાના નવા વેરિઅન્ટને લઈ રાજ્યમાં ચિંતા વ્યાપેલી છે. તો બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર સબ સલામત હોવાના દાવા કરી રહી છે. આ વચ્ચે રાજકોટ જિલ્લામા કોરોના વેક્સિનની અછત સર્જાઈ છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ લોકો વેક્સિન લેવા માટે આવતા હોય છે, પરંતુ વેક્સિન ન હોવાના પગલે લોકોને ધક્કા ખાવા પડી રહયા છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં કોરોનાની વેક્સિનેશનનો એક પણ ડોઝ નથી. ત્યારે જિલ્લાને મળે તે માટે સ્થાનિકો સહિત મનપાના આરોગ્ય અધિકારીઓએ સરકાર પાસે માગ કરી છે.
આ પણ વાંચો-દેશમાં કોરોનાના નવા નોંધાયા 3038 કેસ, સક્રિય કેસની સંખ્યા 21 હજારને પાર
એક તરફ રાજયમાં કોરોનાએ માથું ઉંચકયું છે. ત્યારે રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ વચ્ચે રસીનો જથ્થો ખૂટી પડયો હોવાનું સામે આવ્યું છે. 31 માર્ચ પછી કોરોના રસીનો એક પણ ડોઝ નથી. જેને લઈને મનપાના આરોગ્ય વિભાગના અધિકારીએ સરકાર પાસે રસીની માગણી કરી છે. રસીનો જથ્થો આવ્યા પછી કામગીરી શરૂ કરવામાં આવશે. તેવું આરોગ્ય અધિકારીનું કહેવું છે. શહેરમાં કોરોનાના કેસની વાત કરીએ તો, 140 કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી 2 દર્દી સારવાર હેઠળ છે.
ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકો કોરોનાથી ડરે નહીં પરંતુ સાવચેતી રાખે તેવી આરોગ્ય પ્રધાને અપીલ કરી હતી. ટેસ્ટીંગ વધારવા માટે પણ સૂચના આપી દીધી છે.
વેક્સિનને લઇને પણ આરોગ્ય પ્રધાને લોકોને ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, વેક્સિનના જથ્થાની માગણી કરી છે. આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. જથ્થો હતો ત્યારે કોઇ વેક્સિન લેવા આવતું ન હતું.
ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…